(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૧
મોદી સરકારે પંજાબ નેશનલ બેન્કના ૧૧,૪૦૦ કરોડના કૌભાંડની સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ) દ્વારા સ્વતંત્ર તપાસ કરાવવાનો વિરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ સંબંધમાં જનહિતની એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં આ કૌભાંડની તથા મુખ્ય આરોપી નીરવ મોદીને વિદેશમાં પાછો લાવવા માટે સીટ રચવાની માંગણી કરવામાં આવી હતી. આ અરજીનો વિરોધ કરતાં કેન્દ્ર સરકારના વકીલે કહ્યું કે આ કેસમાં એફઆઈઆર નોંધાઈ ચૂકી છે અને તપાસ ચાલુ છે. આ અંગે કોર્ટે કહ્યું કે હાલમાં અમે કોઈ ટીપ્પણી કરવા માંગતા ન થી. કોર્ટે અરજીની સુનાવણી માટે ૧૬ માર્ચ મુકરર કરી છે. વકીલ વિનીત ઢાંડા દ્વારા દાખલ કરવામાં અરજીમાં નીરવ મોદીને બે મહિનાની અંદર ભારતમાં લાવવા કાર્યવાહી શરૂ કરવાની માંગણી વ્યક્ત કરવામાં આવી હતી. કેન્દ્રના વકીલ એટર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ ચાલુ કરી દેવામાં આવી છે તે ઉપરાંત એવા ઘણા મુદ્દાઓ છે કે જેને આધારે આ અરજીનો વિરોધ થઈ શકે છે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું કે દશ કરોડ રૂપિયા અથવા તેનાથી વધારે રકમની મંજૂરી અને તેના વિતરણની સ્થિતિમાં આ રકમની સુરક્ષા અને વસૂલી સુનિશ્ચિત કરવા માટે નાણા મંત્રાલયને દિશા-નિર્દેશ તૈયાર કરવા જોઈએ. તે ઉપરાંત દેશમાં બેન્કોના એપીએ એકાઉન્ટ સાથે કામ પાર પાડવા માટે એક વિશેષ વ્યવસ્થા તૈયાર કરવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. ઢાંડાએ પોતાની અરજીમાં દસ્તાવેજોની ખામીઓને આધારે ધીરાણની મંજૂરી આપનાર બેન્ક કર્મચારીઓની જવાબદારી નક્કી કરવાની તથા ધીરાણ વસૂલી માટે એવા અધિકારીઓની સંપત્તિ જપ્ત કરવાનો નિર્દેશ દેવાનો પણ અનુરોધ કર્યો.