(એજન્સી) તા.૧૮
દેશમાં હાલ પ્રત્યેક રાજ્યમાં ગરીબીના પ્રમાણમાં કેટલો ઘટાડો થયો છે તેની વિગતવાર માહિતી અંગે સાંસ અરૂણ સાઓ દ્વારા સંસદમાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે ૨૦૧૧-૧૨ના વર્ષની આંકડાકીય માહિતીનો ઉલ્લેખ કર્યો હતો જેમાં દર્શાવામાં આવ્યું હતું કે સમગ્ર દેશમાં ૨.૬૯૭.૮૩ લાખ લોકો ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે જે પૈકી ૨,૧૬૬.૫૮ લાખ લોકો ગ્રામ્ય વિસ્તારોના છે.
વધુમાં સરકારે કહ્યું હતું કે છત્તીસગઢ રાજ્યમાં ૧૦૧.૨૭ લાખ લોકો ગરીબીની રેખા નીચે જીવે છે જે દેશની કુલ વસ્તીના ૪૦ ટકા જેટલી સંખ્યા થાય છે. આંદામાન-નિકોબાર ટાપુમાં દેશમાં સૌથી ઓછા એટલે કે ફક્ત ૪૦૦૦ લોકો જ ગરીબીની રેખા નીચે જીવે છે જે દેશની કુલ વસ્તીના ફક્ત એક ટકા જેટલી છે, જ્યારે બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં ૫૯૮.૧૯ લાખ લોકો ગરીબીની રેખા નીચે જીવે છે અને તે સાથે ગરીબીની રેખા નીચે જીવતા સૌથી વધઉ લોકોની સંખ્યા સાથે ઉત્તર પ્રદેશમાં દેશમાં પ્રથમ ક્રમે આવે છે. તે સાથે સાંસગ અરૂણ સાઓએ સરકારને એમ પણ સમજાવવાની માંગ કરી હતી કે ગરીબીના સ્તરની સમીક્ષા કરવા જે પદ્ધતિ અજમાવવામાં આવે છે તેની સમયાંતરે કેવી રીતે સમીક્ષા કરવામાં આવે છે.
૨૦૧૩ની સાલની એક અખબારી યાદીનો ઉલ્લેખ કરતાં આયોજન મંત્રાલય અને આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી રાવ ઇન્દ્રજીત સિંઘે કહ્યું હતું કે આ અખબારી યાદી મુજબ ૨૦૧૧-૧૨ની સાલમાં દેશમાં ગરીબીની રેખા નીચે જીવતા લોકોની સંખ્યા ૨૭ કરોડ જેટલી (૨૧.૯ ટકા) હતી જે ૨૦૦૪-૦૫માં નોંધાયેલા ૪૦.૭૬ કરોડ (૩૭.૨ ટકા) લોકોની તુલનાએ ઘણી ઓછી છે. જેથઈ ૨૦૦૪-૦૫ થી ૨૦૧૧-૧૨ વચ્ચેના સમયગાળા દરમ્યાન ગરીબીના દરમાં વાર્ષિક ૨.૧૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
તે ઉપરાંત મંત્રીએ એમ પણ કહ્યું હતું કે ગરીબીની આકારણી કરવાની જે પદ્ધતિ છે તેની સમયે સમયે સમીક્ષા કરવામાં આવે છે અને સૌથી છેલ્લે જે રિપોર્ટ આવ્યો છે તે હાલ સરકાર પાસે વિચારાધિન છે. હાલ સત્તાવાર રીતે ગરીબીનો અંદાજ તેંદૂલકર મેથડોલોજી (પદ્ધતિ) આધારિત મૂકવામાં આવે છે. ૨૦૧૪ની સાલમાં ડો. સી. રંગરાજનના અધ્યક્ષપદે આયોજન પંચે ગરીબીની આકારણી કરતી પદ્ધતિની સમીક્ષા કરેલો આખો એક અહેવાલ કેન્દ્ર સરકારને સુપરત કર્યો હતો પરંતુ નિષ્ણાતો દ્વારા તૈયાર થયેલા તે અહેવાલ ઉપર હજું સુધી સરકારે કોઇ પગલાં લીધા નથી. ત્યારબાદ આયોજન પંચના સ્થાને નવા બનાવાયેલા નીતિ આયોગે ૧૬ માર્ચ-૨૦૧૫ના રોજ નીતિ આયોગના નાયબ ચેરમેન ડો. અરવિંદ પનગઢિયાના અધ્યક્ષપદે ભારતમાંથી ગરીબીની નાબૂદી માટે એક ટાસ્કફોર્સની રચના કરી હતી. આ ટાસ્કફોર્સે પણ તેનો અહેવાલ૧૧ જુલાઇ-૨૦૧૬ના રોજ વડાપ્રધાન મોદીને સોંપી દીધો હતો પરંતુ આજદિન સુધી તે રિપોર્ટ અભરાઇઓ ઉપર ધૂળ ખાઇ રહ્યો છે.