(એજન્સી) તા.ર૩
ભારતમાં અત્યારે કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું છે. ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૯ કેસ નોંધાયા છે જેમાંથી એકનું મોત થયું છે. આ સ્થિતિ અને કોરોના મહામારીને જોતાં અસરગ્રસ્ત ક્ષેત્રોમાં કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આર્થિક બેલઆઉટ પેકેજની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચાર દિવસ પહેલાં રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણના નેતૃત્વમાં સ્પેશિયલ ટાસ્કફોર્સ બનાવવાની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોવિડ-૧૯ આર્થિક પ્રતિસાદ ટાસ્ક ફોર્સ પરિસ્થિતિનું અવલોકન કરશે અને પછી સૂચનો આપશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામણે પણ જાહેરાત કરી છે કે, કોવિડ-૧૯ સામે લડવા માટે આપવામાં આવતા દાનને ‘કોર્પોરેટ સામાજિક જવાબદારી’ તરીકે ગણવામાં આવશે. તેમણે ટિ્‌વટર પર જણાવ્યું કે, ભારતમાં નોવેલ કોરોના વાયરસના ચેપને ધ્યાનમાં રાખીને, ડબ્લ્યુએચઓએ તેને વૈશ્વિક મહામારી જાહેર કરી છે અને ભારત સરકાર દ્વારા તેને એક અધિસૂચિત સંકટ માનીને તેની સામે લડવાનો નિર્ણય લીધો છે. કોવિડ-૧૯ માટે સીએસઆર ફંડ્‌સનો ઉપયોગ કરવું એ સીએસઆર પ્રવૃત્તિનો ભાગ માનવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લોકોને લોકડાઉનને ગંભીરતાથી અનુસરવાની અપીલ કરી હતી અને રાજ્ય સરકારોને તેઓ નિયમો અને કાયદાઓનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. મોદીએ ટિ્‌વટ કર્યું હતું કે, ઘણાં લોકો હજી પણ લોકડાઉનને ગંભીરતાથી લઈ રહ્યા નથી. કૃપા કરીને તમારી જાતને બચાવો, તમારા પરિવારને બચાવો, સૂચનાઓને ગંભીરતાથી અનુસરો. પ્રધાનમંત્રીએ કહ્યું, “હું રાજ્ય સરકારોને વિનંતી કરૂં છું કે, નિયમો અને કાયદાઓનું પાલન કરાવો.” કર્ફયુના એક દિવસ પહેલાં, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને એવા ૭૫ જિલ્લાઓમાં ફક્ત આવશ્યક સેવાઓ જ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે જ્યાં કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા છે અથવા તો લોકોના કોરોનાને કારણે મોત થયા છે.