(સંવાદદાતા દ્વારા)  ગાંધીનગર, તા.૧૪

રાજ્યમાં શાળાઓ શરૂ કરવા અંગે છેલ્લા ઘણા સમયથી મતમતાંતર ચાલી રહ્યા છે. તેમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બાદ હવે રાજ્ય સરકાર દ્વારા દિવાળી સુધી કોઈપણ શાળા શરૂ કરવામાં નહીં આવે તેવો અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળી પછી જ શાળા શરૂ કરવા બાબતે કોરોનાની સ્થિતિ જોઈ નિર્ણય લેવામાં આવશે.

એક તરફ અનલોક ૪માં કેન્દ્ર સરકારે ૨૧ સપ્ટેમ્બરથી ધોરણ ૯થી ૧૨ના વર્ગો શરુ કરવાની મંજૂરી આપી દીધી છે, ત્યારે ગુજરાત સરકારે દિવાળી પહેલા સ્કૂલો શરૂ નહીંં થાય તેવો નિર્ણય લઈ લીધો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ ડે. સીએમ નીતિન પટેલે જાહેરાત કરી હતી કે કેન્દ્રની ગાઈડલાઈન અનુસાર ગુજરાતમાં ૨૧ સપ્ટેમ્બરથી શાળા શરૂ કરવા અંગે હાલ કોઈ અંતિમ નિર્ણય નથી લેવાયો. જો ૨૧મી સપ્ટેમ્બરથી ધો. ૯થી ૧૨ માટે વર્ગો શરુ પણ કરી દેવાયા હોત તો પણ થોડા જ સમયમાં નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવી જાય છે, અને તે દરમિયાન સ્કૂલોમાં લાંબુ વેકેશન પડતું હોય છે. માત્ર ૯થી ૧૨ના વર્ગો શરુ કરવાના બદલે શક્ય છે કે દિવાળી બાદ કોરોનાની સ્થિતિ કેવી રહે છે તે જોઈને સરકાર હવે ત્યારપછી જ સ્કૂલો ફરી ખોલવા અંગે વિચારી શકે છે. ઉલ્લેખનીય છે કે, ૨૧ તારીખથી સ્કૂલો આંશિક રીતે શરુ કરવા અંગેના કેન્દ્ર સરકારના નિર્ણયની વાલીઓ ટીકા કરી રહ્યા છે. ગુજરાતમાં પણ ૨૧મીથી સ્કૂલો ખૂલવી જોઈએ કે નહીં તે અંગે મોટાભાગના વાલીઓ અસહમત છે. રાજ્યમાં કોરોનાના રોજેરોજ ૧૩૦૦થી વધુ નવા કેસ આવી રહ્યા છે, ત્યારે બાળકોને સ્કૂલે મોકલવાનું જોખમ લેવા માટે વાલીઓ તૈયાર નથી. કોરોનાને કારણે બોર્ડ સિવાયના ધોરણોની આ વર્ષે ગુજરાતમાં વાર્ષિક પરીક્ષા પણ નથી લેવાઈ, અને તમામ સ્ટૂડન્ટ્‌સને આગલા ધોરણમાં મોકલી દેવાયા છે. સામાન્ય રીતે રાજ્યમાં સ્કૂલો ૧૫ જૂનની આસપાસથી શરુ થઈ જતી હોય છે. જોકે, આ વર્ષે કોરોનાને કારણે સ્કૂલો શરુ નથી થઈ શકી. હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે, પરંતુ તેમાં પણ અનેક મર્યાદાઓ રહેલી છે. ખાસ કરીને જે સ્ટૂડન્ટ્‌સ પાસે સ્માર્ટફોન, લેપટોપ કે પછી કનેક્ટિવિટી નથી તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.