મેં પીડિતાના પરિવાર પાસે એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું હતું પરંતુ તેમને ગામથી ૧ કિ.મી. દૂર જ રોકી દેવામાં આવ્યા : તૃણમૂલ અધ્યક્ષ

(એજન્સી)                તા.૪

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શનિવારે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો કે હાથરસની કરૂણાંતિકાનું કવરેજ બંધ કરવા માટે મીડિયા સંગઠનોને ધમકાવવામાં આવી રહ્યા છે. હાથરસની કરૂણાંતિકાના વિરોધમાં મમતા બેનરજીએ કોલકાતામાં યોજેલી રેલીને સંબોધતા મમતા બેનરજીએ કહ્યું હતું કે મને જાણવા મળ્યું છે કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર હાથરસની ઘટનાનું કવરેજ બંધ કરાવવા માટે મીડિયા સંગઠનોને ધમકાવી રહી છે. મીડિયા સંગઠનોને કહી દેવામાં આવ્યું છે કે આ કરૂણાંતિકાનું કવરેજ બંધ કરવામાં આવે. મમતા બેનરજીની આ ટિપ્પણી પરથી સ્પષ્ટ થાય છે કે તેમણે નોંધ્યું હતું કે કેવી રીતે એ.બી.પી. ન્યુઝના રિપોર્ટર પ્રતિમા મિશ્રા અને કેમેરામેન મનોજ અધિકારી શુક્રવારે પોલીસની ગેરવર્તણૂકનો ભોગ બન્યા અને તેમને  પીડિતાના ઘરે જવાથી રોકવામાં આવ્યા. તૃણમૂલ અધ્યક્ષે કહ્યું હતું કે, મેં પીડિતાના પરિવાર પાસે એક પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું પરંતુ તેમને ગામથી ૧ કિ.મી. દૂર જ રોકી દેવામાં આવ્યા હતા. આ જ રીતે પત્રકારોને પણ રસ્તામાં જ રોકી દેવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ આ આક્ષેપ પણ કર્યો હતો કે ઉત્તરપ્રદેશ વહીવટીતંત્ર આ સમગ્ર ઘટના પર ઢાંકપિછોડો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.