(એજન્સી) તા.ર૯
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે સંસદના સત્ર દરમ્યાન મોટા ભાગના પ્રશ્નોનો જવાબ ન આપવા બદલ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે દેશના દરેક નાગરિકને માહિતી મેળવવાનો અધિકાર છે. માહિતી પ્રાપ્ત કરવાના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે ટવીટ કરતા મમતા બેનરજીએ કહ્યું હતું કે સરકાર લોકોને જવાબ આપવા માટે બંધાયેલી છે. તેમણે કહ્યું હતું કે આજે આંતરરાષ્ટ્રીય માહિતી અધિકાર દિવસ છે અને આ આઘાતજનક બાબત છે કે તાજેતરના સંસદીય સત્રમાં ભારત સરકારનો પર્દાફાશ થઈ ગયો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ ટવીટમાં કહ્યું હતું કે મોટા ભાગના જવાબોમાં કહેવામાં આવ્યું હતું કે ડેટા ઉપલબ્ધ નથી. દરેક નાગરિકને માહિતી મેળવવાનો અધિકાર છે. સરકાર લોકોને જવાબ આપવા માટે બંધાયેલી છે. નોંધનીય છે કે તાજેતરમાં જ પૂર્ણ થયેલા સંસદના ચોમાસુ સત્રમાં સરકાર પાસે ખેડૂતોની આત્મહત્યા અને લોકડાઉન દરમ્યાન જીવ ગુમાવનારા સ્થળાંતરિત મજુરો અંગે આંકડાઓ રજુ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે સરકારે કહ્યું હતું કે તેની પાસે ડેટા ઉપલબ્ધ નથી.