(એજન્સી) તા.૯
કોવિડ-૧૯ની મહામારીના પગલે સર્જાયેલી કટોકટીને ધ્યાનમાં લેતાં કેન્દ્ર સરકાર શાળાઓ અને કોલેજોના અભ્યાસક્રમમાં અને શિક્ષણના કલાકો ઘટાડો કરવાનું વિચારી રહી છે એમ કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આજે કહ્યું હતું.
કોરોના વાયરસની મહામારી અને તેને રોકવા લાદવામાં આવેલા લોકડાઉનના કારણે ગત માર્ચશી શાળાઓ અને કોલેજો બંધ છે અને કેટલીક બોર્ડ એક્ઝામ પણ રદ કરવાની ફરજ પડી છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓએ તેઓનો કિંમતી સમય બરબાદ કરી નાંખ્યો છે એવી સમાજના ભિન્ન ભિન્ન વર્ગો તરફથી રજુઆત કરવા સાથે અભ્યાસક્રમ ઘટા નાંખવાની વિનંતીઓ મળી છે.
પોતાના ટિ્‌વટર એકાઉન્ટ ઉપર સંખ્યાબંધ ટિ્‌વટ કરીને પોખરિયાલે કહ્યું હતું કે, વાલીઓ અને શિક્ષકો તરફથી મળેલી વિનંતીઓ બાદ અને વર્તમાન સંજોગોને ધ્યાનમાં લેતાં કેન્દ્ર સરકાર ચાલુ શૈક્ષણિક વર્ષ દરમ્યાન શાળા-કોલેજોના અભ્યાસક્રમમાં અને શિક્ષણના કલાકોમાં ઘટાડો કરવા વિચારી રહી છે. આ અંગે પોખરિયાલે શિક્ષકો અને શિક્ષણવિદો તરફથી સૂચનો પણ સોશ્યિલ મીડિયા ઉપર મોકલી આપવા વિનંતી કરી હતી.
આ અંગે પોતપોતાના અભિપ્રાય મોકલી આપવા હું તમામ શિક્ષકો, શિક્ષણવિદો અને શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વિનંતી કરૂં છું જેથી કરીને આ દિશામાં કોઇ નિર્ણય લેતી વખતે તેઓના અભિપ્રાયને પણ ધ્યાન ઉપર લઇ શકાય એમ પોખરિયાલે તેમના ટિ્‌વટર એકાઉન્ટ અને ફેસબુક પેજ ઉપર લખ્યું હતું. માનવ સંસાધન વિકાસ મંત્રાલય હેઠળ આવતા શિક્ષણ અને સાક્ષરતા અભિયાન વિભાગના સચિવ અનિતા કરવાલના નેતૃત્વમાં શિક્ષણ સચિવો સાથેની મિટિંગ બાદ પોખરિયાલે આ જાહેરાત કરી હતી. મિટિંગમાં ઓનલાઇન અને જીડીટલ પ્લેટફોર્મના માધ્યમથી શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓની સલામતી અને સ્વચ્છતા જેવા મુદ્દાઓની પણ ચર્ચા થઇ હતી. ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારના નાયબ મુખ્ય મંત્રી અને શિક્ષણ મંત્રાલયનો હવાલો સંભાળતા મનિષ સિસોદિયાએ શાળાઓમાં તમામ ધોરણોનો ૩૦ ટકા અભ્યાસ ઘટાડી દેવાનું સૂચન કરીને આ દિશામાં સૌ પ્રથ પહેલ કરી હતી. તે સાથે તેણે શાળાઓ ફરીથી ખોલવાની મંજૂરી આપવા પણ કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી.