નવી દિલ્હી, તા.૧૩
પ્રથમ ટેસ્ટમેચમાં વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ અનુભવી ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડને ઈંગ્લેન્ડની ટીમમાંથી બહાર કરવાના નિર્ણયને લઈ પહેલીવાર કેપ્ટનશિપ કરી રહેલા બેન સ્ટોક્સની ટીકા થઈ રહી છે. મેચના અંતિમ દિવસે ઈંગ્લેન્ડને ર૦૦ રનના લક્ષ્યાંકનો બચાવ કરવાનો હતો. ઈંગ્લેન્ડે સારી શરૂઆત કરી હતી પણ વેસ્ટઈંન્ડિઝના મધ્યમક્રમે સારી બેટિંગ કરી મેચ ચાર વિકેટથી જીતી લીધી. આ સાથે જ ઈંગ્લેન્ડ સિરીઝમાં ૧-૦થી પાછળ થઈ ગયું. સ્ટુઅર્ટ બ્રોડને પ્લેઈંગ ઈલેવનમાંથી ડ્રોપ કરવાનો નિર્ણય ઈંગ્લેન્ડ માટે ઘાતક સાબિત થયો. જો બ્રોડ ટીમમાં હોત તો અંતિમ દિવસે પરિણામ અલગ આવવાની સંભાવના હતી. મેચ બાદ સ્ટુઅર્ટ બ્રોડના સ્થાને આર્ચરને મહત્ત્વ આપવા વિશે પૂછતા ઈંગ્લેન્ડના કપ્તાન સ્ટોક્સે કહ્યું કે, બ્રોડને ટીમની બહાર કરવાના નિર્ણય પર તેને પસ્તાવો નથી.