નવી દિલ્હી, તા.૧૫
વર્લ્ડ કપ સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડના હાથે મળેલી હાર બાદથી મહેન્દ્રસિંહ ધોનીના સંન્યાસને લઈ અટકળો સતત ચાલી રહી છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ભલે હાલ સંન્યાસ લેવા વિશે ન વિચારતો હોય, પરંતુ એ વાતના પૂરા સંકેત મળવાના શરૂ થઈ ગયા છે કે હવે ધોનીની કારકિર્દી લગભગ ખતમ થઈ ચૂકી છે.
આ વખતના વર્લ્ડ કપમાં ધોનીની બેટિંગને લઈ ઘણી ટીકાઓ થઈ હતી. સેમીફાઇનલમાં જે રીતે ધોનીએ ધીમી ઇનિંગ રમી તેનાથી ધોનીની બેટિંગ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. ઈંગ્લેન્ડની સાથે રમાયેલી સેમીફાઇનલમાં ધોનીએ ૩૧ બોલમાં ૪૨ રન કર્યા હતા.
ધોનીએ ઇનિંગની શરૂઆત ઘણી ધીમી કરી હતી. તેણે છેલ્લી ઓવરમાં કેટલાક જોરદાર ફટકા માર્યા, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. એક અંગ્રેજી અખબારે બીસીસીઆઈ સાથે જોડાયેલા સૂત્રના હવાલાથી જણાવ્યું કે સમગ્ર વર્લ્ડ કપમાં ધોનીની ધીમી બેટિંગને જોતાં મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રસાદ ટૂંક સમયમાં તેની સાથે વાત કરશે. જો કે, તેઓએ ઈશારામાં એવો સંકેત આપી દીધો છે કે હવે ધોનીનો ટીમની બહાર જવાનો સમય આવી ગયો છે.
રિપોર્ટમાં બીસીસીઆઈ સાથે જોડાયેલા સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, અમે (બોર્ડ અધિકારી)એ વાતથી હેરાન છીએ કે ધોનીએ હજુ સુધી આવું કેમ નથી કર્યું. રૂષભ પંત જેવા યુવા ખેલાડી તેનું સ્થાન લેવાની રાહ જોઈ રહ્યા છે.
જેમ કે અમે વર્લ્ડ કપમાં જોયું ધોની હવે આક્રમક બેટિંગ નથી કરી શકતો. નંબર-૬ કે ૭ પર ઉતરવાં છતાંય તે સ્કોરબોર્ડને આગળ ધપાવવામાં સતત સંઘર્ષ કરી રહ્યો છે. જે ટીમ માટે નુકસાનકારક થઈ શકે છે.