અંકલેશ્વર, તા.૧પ
અંકલેશ્વર રાજપીપલા રોડ પર મીરા નગર પાસે આવેલ આઝાદ સ્ક્રેપ માર્કેટ નજીક ભંગારીયા દ્વારા ચાર બાળ શ્રમિકોને કેમિકલ યુક્ત બેગો ધોવાનું કામ આપ્યું હતું. જોકે આ કામગીરી દરમ્યાન ચારેયને ગેસની અસર થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરની મીરા નગરનાં આઝાદ માર્કેટ પાસે વિનોદસિંગ નામનાં ભંગારીયાનું સ્ક્રેપનું ગોડાઉન આવેલુ છે, જેમાં તારીખ ૧૪મી એ ભંગારીયા દ્વારા કેમિકલ યુક્ત બેગો ધોવા માટે ચાર બાળ શ્રમિકોને છૂટક મજૂરી અર્થે લાવવામાં આવ્યા હતા અને કેમિકલયુક્ત પ્લાસ્ટિકની બેગો ધોવાની કામગીરી કરાવવામાં આવી હતી. આ કામગીરી દરમ્યાન ગેસ જનરેટ થતા પટેલ નગર પાછળની ઝૂંપડપટ્ટીમાં રહેતા ચારેય બાળ શ્રમિકોને ગેસની અસર થઇ હતી. તેઓની તબિયત લથડતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ૧૫ વર્ષીય બાળ શ્રમિકને ભરૂચની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો . બનાવ અંગેની જાણ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવીને ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી, જ્યારે અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનાં અધિકારીઓ એ પણ ઘટના સ્થળે પહોંચી ગોડાઉનની તપાસ કરતા જરૂરી સેમ્પલ લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.