(એજન્સી) નવી દિલ્હી,તા.૩૦
મુંબઈ ખાતે ગઈકાલે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા પ્રોફેસર હની બાબુ એમટીની ધરપકડ કરવામાં આવી હતી. જેને વખોડી કાઢવા “સરકારી દમન વિરૂદ્ધ ઝુંબેશ” બેનર હેઠળ ૩૦ જેટલી સામાજીક સંસ્થાઓ સંગઠિત થઈ હતી. ભીમા કોરેગાંવ અલ્ગાર કેસમાં પ્રોફેસર હની બાબુની ધરપકડ થઈ હતી. જે આ કેસમાં નવી ધરપકડની સૌથી તાજી ઘટના છે. હાલ આ કોરોનાના સંક્રમણનું જોખમ હોવા છતાં ધરપકડોનો દોર જારી છે. કેમ્પેઈન અગેન્સ્ટ સ્ટેટ રિપ્રેશન (સીએએસઆર) દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે દિલ્હી અને મુંબઈ બન્ને સ્થળોએ કોરોનાના કેસો વધવા છતાં એનઆઈએ દ્વારા તેમને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પૂછપરછ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો પણ એનઆઈએ દ્વારા આ દરખાસ્ત ફગાવી તેમને મુંબઈ આવવાની ફરજ પાડવામાં આવી હતી. સીએએસઆરના નેજા હેઠળ એઆઈએસએ, એઆઈએસએફ, ભીમ આર્મી, બીગ્યુલ મઝદૂર દાસ્તાં, દિશા, ડીએસયુ, ડીટીએફ, આઈએમકે, કર્ણાટક જનશક્તિ, લોકપક્ષ, એલએસઆઈ, મઝદૂર અધિકાર સંગઠન, મઝદૂર પત્રિકા, મહેનતકશ મહિલા સંગઠન, મોર્ચા પત્રિકા, એનએપીએમ, નવરોઝ, એનટીયુઆઈ, પીપલ્સ વોચ, રિહાઈ મંચ, સમાજવાદી જનપરિષદ, સત્યશોધક સંધ, એસએફઆઈ, યુનાઈટેડ અગેન્સ્ટ હેટ અને અન્ય ઘણાં સંગઠનો દ્વારા પ્રોફેસર સામે લગાવવામાં આવેલા આરોપોની આકરી ટીકા કરવામાં આવી હતી. સીએએસઆર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્રોફેસર બાબુ ગત ૨૪ જુલાઈથી એનઆઈએને સહયોગ આપી રહ્યા છે અને હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ માઓવાદીઓ સાથે જોડાયેલા હોવાનું કબૂલાવા માટે અને અન્ય લોકો સામે ખોટી જુબાની આપવા માટે દબાણ બનાવવા પૂછપરછ એક બહાનું છે. એ નોંધપાત્ર છે કે પ્રોફેસર બાબુ સતત આ જુઠાણું કબૂલવા ઈન્કાર કરતાં હોવાથી એનઆઈએ દ્વારા પૂછપરછના નામે તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને હવે તેમને આરોપી બનાવી તેમની ધરપકડ કરવામાં આવી છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં કોઈપણ સર્ચ વોરન્ટ વિના મહારાષ્ટ્ર પોલીસ દ્વારા તેમના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. તે સમયે ઘણાં ઈલેકટ્રોનિક ઉપકરણો અને પુસ્તકો કબજે કરવામાં આવ્યા હતા.