(એજન્સી) તા.ર૩
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે ભાજપ જૂઠની ફેકટરી છે કોંગ્રેસના કેમ્બ્રિજ એનાલિટીકા સાથે કોંગ્રેસના સંબંધો હોવાની ખોટી વાત મીડિયામાં ફેલાવી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ જૂઠની ફેકટરીનું કાર્ય ચાલુ છે. ર૦૧રમાં કોંગ્રેસને નુકસાન પહોંચાડવા માટે કેમ્બ્રિજ એનાલિટીકાને પૈસા આપવામાં આવ્યા હતા એ વાત જાહેર થઈ ગઈ છે. ભાજપ તેના કેન્દ્રીય મંત્રીને આ જૂઠ ફેલાવવા મોકલે છે કે કોંગ્રેસે કેમ્બ્રિજ એનાલિટીકા સાથે કામ કર્યું હતું. આ સાથે રાહુલ ગાંધીએ એક અગ્રણી ન્યૂઝ એજન્સીની હેડલાઈન પણ જોડી હતી. કેમ્બ્રિજ એનાલિટીકાના ભારત સંબંધો વિશે વ્હીસલ બ્લોઅરનો ખુલાસો. આ અહેવાલમાં કેમ્બ્રિજ એનાલિટીકા સાથે સંકળાયેલી ભારતીય કંપની સ્ટ્રેેટ્રેજીક કોમ્યુનિકેશન લેબોરેટરીઝ પ્રાઈવેટ લિમિટેડના અવનિશ રાયે ખુલાસો કર્યો છે કે કેવી રીતે કેમ્બ્રિજ એનાલિટીકાના ચીફ એક્ઝિક્યુટિવ એલેકઝાન્ડર નિકસ દ્વારા રાય સહિતના તેમના ભારતીય ભાગીદારોને છેતરીને ર૦૧૪માં કોંગ્રેસને હરાવવા માટેની યોજના બનાવવામાં આવી. અવનીશરાયે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે નિકસએ ભારતની મુલાકાત લીધી હતી અને તેમના ભારતીય સહયોગીઓ સાથે રાહુલ ગાંધીને મદદ કરવા વિશે વાત કરી હતી પરંતુ પાછળથી નિકસની ટીમની એક ભારતીય મૂળની મહિલાએ ખુલાસો કર્યો કે તેઓ કોંગ્રેસને હરાવવા માટે કામ કરી રહ્યા છે. ત્યારે રાયને પ્રથમ વખત ભાન થયું કે નિકસ અને તેની ટીમે તેમની સાથે છેતરપિંડી કરી છે જ્યારે રાયે આ વિશે નિકસને વારંવાર પૂછયું ત્યારે તેણે જવાબ આપ્યો કે તે અહીં પૈસા કમાવવા માટે આવ્યો છે. આ પહેલાં એક અન્ય ન્યૂઝ એજન્સીએ ખુલાસો કર્યો હતો કે કેમ્બ્રિજ એનાલિટીકાની ભારતીય કંપની ઓવલેનો બિઝનેસ ઈન્ટેલિજન્સ એ ભાજપને ફકત ર૦૧૪ની ચૂંટણીમાં જ નહીં પરંતુ ચાર મહત્ત્વની વિધાનસભા ચૂંટણીઓમાં પણ મદદ કરી હતી. ઓવેલેનો બિઝનેસ ઈન્ટેલિજન્સની સ્થાપના જેડીયુ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ કે.સી.ત્યાગીના પુત્ર અમરિશ ત્યાગી દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, બ્રિટિશ કંપની કેમ્બ્રિજ એનાલિટીકા ફેસબુક પરથી યુઝર્સના ડેટાની ચોરી કરી ચૂંટણી પ્રચારમાં ડોનાલ્ડ ટ્રમ્પને મદદ કરવા માટે ચર્ચામાં છે.