(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં સોમવારે રાત્રે ચીની સૈન્ય સાથે અભૂતપૂર્વ હિંસક અથડામણમાં ૨૦ ભારતીય સૈન્ય જવાનોના શહીદ થયા છે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર પર પ્રહાર કરતાં કહ્યું કે, ભારતીય સૈનિકોની હત્યા મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શા માટે મૌન છે ? કોંગ્રેસે માંગ કરી છે કે પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કરવું જોઈએ અને પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે તમામ પાર્ટીની બેઠક બોલાવી જોઈએ.
ચીન સરહદ પર ભારતના ૨૦ જવાન શહીદ થવાને લઇને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં સતત વધી રહેલા તણાવને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરી જણાવ્યું છે કે, બસ, હવે ઘણું થયું, દેશ જાણવા માગે છે કે આખરે થયું શું ? પીએમ મોદી કેમ મૌન છે ? ચીનના સૈનિકોએ આપણા સૈનિકોને મારી કેવી રીતે દીધા ? ચીનની હિંમત કેવી રીતે થઇ કે આપણી જમીનને પચાવી પાડી. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ ટિ્‌વટર પર લખ્યું કે, “આદરણીય વડાપ્રધાન, કૃપા કરીને દુખી રાષ્ટ્રને સંબોધન કરો. કૃપા કરીને આ રાષ્ટ્રીય સુરક્ષા સંકટ વચ્ચે ગુચવાયેલા રાજકીય ચિત્રને સ્પષ્ટ રાષ્ટ્ર કરવા તમામ પક્ષની બેઠક બોલાવો.” પાર્ટીએ મંગળવારે વડાપ્રધાનની આકરી ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, ‘ક્યારેય વિચાર્યું નહોતુ કે દરેક મુદ્દા પર પાછલી સરકારને સવાલ પૂછવામાં ક્યારેય નિષ્ફળ ન ગયેલા વ્‌યક્તિ હવે શાંત શા માટે છે ? કારણ કે, હવે તે બધી નિષ્ફળતાઓ માટે બીજા કોઈને નહીં પણ પોતાને દોષી ન ઠેરવી શકે.” કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ગૃહપ્રધાન પી.ચિદમ્બરમે પણ સરહદ મુદ્દે મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા.” તમે કલ્પના કરી શકો છો કે, વડાપ્રધાને પાંચમી મેથી ચિંતાજનક મૌન જાળવી રાખ્યું છે. વિદેશી સૈનિકોની દેશમાં ઘૂસણખોરી થયા પછીના સાત અઠવાડિયા સુધી સરકારના કોઈ પણ વડાએ એક પણ શબ્દ પણ ન ઉચ્ચાર્યો ?” તેમણે મંગળવારે સાંજે પૂછ્યું.

બસ હવે બહુ થયું, ગલવાન ખીણ અથડામણ અંગે સત્ય જણાવો : રાહુલ ગાંધીએ પીએમ મોદીનેે કહ્યું

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
ભારત અને ચીનમાં સૈનિકો વચ્ચે થયેલ અથડામણ બાદ બુધવારે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં મૌન વલણ પર જોરદાર નિશાન સાધ્યું હતું.રાહુલ ગાંધીએ પૂછ્યું કે વડાપ્રધાન ભારત-ચીન હિંસા ઉપર શા માટે મૌન છે ? આપને જણાવી દઈએ કે સોમવારે રાત્રે ગલવાન ખીણમાં ભારત અને ચીનની સેનામાં હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં ભારતનાં ૨૦ સૈનિકોએ જીવ ગુમાવ્યો છે. સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. વળી, આ હિંસક અથડામણમાં ચીની પક્ષને પણ ઘણું મોટુ નુકસાન થયુ છે. રાહુલ ગાંધીએ પોતાના ટિ્‌વટમાં કહ્યું, “વડાપ્રધાન શા માટે શાંત છે ? કેમ તે છુપાઈ રહ્યા છે ? હવે બહુ થયું. અમે જાણવા માંગીએ છીએ કે શું થયું છે. ચીનની આપણા સૈનિકોને મારવાની હિંમત કેવી રીતે થઈ ? આપણી જમીન લેવાની તેની હિમ્મત કેવી રીતે થઇ.