ત્રિશૂર,તા.૨૫
કેરળના ત્રિશૂરમાં રહેતા એક શખ્સનો છેલ્લાં છ મહિનામાં ત્રણ વખત કોરોના વાયરસ પોઝિટીવ આવ્યો છે. ૩૮ વર્ષના પાલાવેલિલ સાવિયો જોસેફ પોન્નુક્કારનામાં રહે છે. તેમના કેસમાં હવે સ્વાસ્થ્ય વિભાગ વિસ્તૃત વિશ્લેષ્ણ કરી રહી છે. સાવિયો ઓમાનમાં એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં સુપરવાઇઝર છે. પહેલી વખત જ્યારે તેઓ કોરોના પોઝિટીવ મળ્યા હતા ત્યારે તેઓ ત્યાં જ હતા. સાવિયો કહે છે કે મારા એક સહકર્મી ચીન ગયા હતા. તેઓ ત્યાંથી કોરોના પોઝિટીવ થઇને આવ્યા હતા. તેમનાથી મને માર્ચમાં કોરોના થયો હતો. છાતીમાં દુઃખાવો થયા બાદ મને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી અને મને મસ્કતની એક હોસ્પિટલમાં દાખલ કરાયો. એક સપ્તાહ બાદ મને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ. સાવિયો જૂન મહિનામાં ભારત આવી ગયો કારણ કે ઓમાનની સ્થતિ ભારતથી વધુ ખરાબ છે. જુલાઇમાં તેઓ ફરીથી કોરોના સંક્રમિત થયા. તેમને ત્રિસૂર મેડિકલ કોલેજમાં દાખલ કરાયા હતા. રિપોર્ટ નેગેટિવ આવવા પર તેમને ૨૨ જુલાઇના રોજ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. બે સપ્તાહ બાદ તેમની તબિયત ખરાબ થઇ અને તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા. ૫ સપ્ટેમ્બરના રોજ તેમનો રિપોર્ટ ફરીથી પોઝિટીવ આવ્યો. સાજા થયા બાદ ૧૧ સપ્ટેમ્બરના રોજ તેને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ. જો કે સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે થઇ શકે છે આ રીઇન્ફેકશનનો કેસ હોય કે પછી ખોટો રિપોર્ટ. રાજ્યની નિષ્ણાત કમિટીના મુખ્યા ડૉ.બી.ઇકબાલે કહ્યું કે હાલ વિભાગ તેનું વિસ્તૃત વિશ્લેષણ કરી રહ્યા છે. સ્વાસ્થ્ય સચિવ રાજન એન ખોબરાગડે એ કહ્યું કે આ પ્રકારના કેસ અત્યારે કયાંય પણ રિપોર્ટ થયો નથી આથી વિભાગ તેમની વિસ્તૃત તપાસ કરી રહ્યું છે.