(એજન્સી) તા.૪
બુધવારે દેશના અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટાએ કેરળમાં ગર્ભવતી હાથણીની હત્યાને “યોજનાબદ્ધ રીતે કરવામાં આવેલી હત્યા” ગણાવતા પ્રાણી માટે ન્યાયની માંગણી કરી હતી, ૨૭ મેના રોજ આ ગર્ભવતી હાથણીને ફટાકડા ભરેલો પાઈનેપલ ખવડાવવામાં આવ્યો હતો જેના કારણે તેના મોઢામાં વિસ્ફોટ થતાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી છેવટે તેનું મૃત્યુ થયું હતું. રતન ટાટાએ ટ્‌વીટ કર્યું હતું કે, “હું આ ઘટનાથી દુઃખી અને આઘાતમાં છું કે લોકોના જૂથે નિદોર્ષ ગર્ભવતી હાથણીને ફટાકડા ભરેલો પાઈનેપલ ખવડાવી તેનું મૃત્યુ નિપજાવ્યું હતું” ટાટાએ આગળ કહ્યું હતું કે “નિદોર્ષ પ્રાણી વિરૂદ્ધ આ પ્રકારનું ગુનાહિત કૃત્ય અન્ય માનવીઓ વિરૂદ્ધ આચરવામાં આવેલા યોજનાબદ્ધ હત્યાના કૃત્યથી જુદુ નથી” ટાટાએ કહ્યું હતું કે “ન્યાયની જીત જરૂરી છે.”