(એજન્સી) ઇડુક્કી, તા.૪
કેરળ રાજ્યનો ચક્કીલિયર અથવા આથિ દ્રવિદર નામનો હાંસિયામાં રાખેલ સમુદાય હજુ સુધી અસ્પૃશ્યતાની વિચિત્ર પ્રથાનો શિકાર છે.
ઈડુક્કી જિલ્લાના અંતરિયાળ ગામ વાત્તાવડા પંચાયતમાં પછાત જાતિના ૨૭૦ કુટુંબો ચક્કીલિયર જાતિના રહે છે. એમણે સલૂનમાં જઈ વાળ કપાવવાની મનાઈ ફરમાવાયેલ છે. કોમના સભ્યોએ સ્થાનિક પંચાયતને થોડા દિવસો અગાઉ સવર્ણ વર્ગ દ્વારા કરાયેલ આ પ્રકારના અન્યાય સામે ફરિયાદ કરી હતી. હાલમાં આ કોમના સભ્યો ૪૨ કિ.મી. દૂર મુન્નાર અથવા ૧૨ કિ.મી. દૂર એલ્લાપેટીમાં વાળ કપાવવા જાય છે.
ચક્કીલિયર કોમના ૪૬ વર્ષીય આર. બાલને જણાવ્યું કે મોટા ભાગે અમે એકબીજાના વાળ કાપીએ છીએ કારણ કે સવર્ણ જાતિના લોકો અને હજામો અમને એમની દુકાનમાં પ્રવેશવા દેતા નથી. તેઓ અમને એમના ઘરોમાં પણ જવા દેતા નથી. અસ્પૃશ્યતાની વિચિત્ર પ્રથા અહિયાં હજુય ચાલે છે. જે અમે દાયકાઓથી જોતા આવ્યા છીએ. જોકે અમને ચીજ વસ્તુઓની ખરીદી માટે ઇનકાર કરાતો નથી.
ચક્કીલિયર જાતિના લોકો મૂળ આંધ્રપ્રદેશ અને કર્ણાટકાના છે. તેઓ સૌ પ્રથમ તમિલનાડુમાં ગયા હતા અને પછીથી કેરળમાં આવી વસ્યા છે.
વાત્તાવડા પંચાયતના અધ્યક્ષે જણાવ્યું કે અમોએ કન્થાલુરના હજામ સાથે કરાર કરી પંચાયત તરફથી સલૂન બનાવવાની જાહેરાત કરી છે. જેનું કામ ચાલુ છે અને ટૂંક સમયમાં શરૂ થઇ જશે જ્યાં બધી જાતિઓના લોકોને પ્રવેશ આપવામાં આવશે.
અધ્યક્ષે જણાવ્યું કે અમોએ સવર્ણોના સભ્યો સાથે વાતચીત કરી આ પ્રથાને દૂર કરવા ચર્ચા કરી હતી. તેમ છતાંય પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. એમણે કહ્યું કે હજામો સવર્ણોના પ્રભાવ હેઠળ છે એ માટે તેઓ ઇન્કાર કરે છે.
Recent Comments