(એજન્સી) તા.૩
કેરળમાં કેટલાંક અજાણ્યા બદમાશોએ એક પાઇનેપલમાં ભારે જથ્થામાં ફટાકડા ભર્યા હતા જેને એક ગર્ભવતી હાથણી ખાઇ જતાં તેનું મોત નિપજ્યું હતું. આ જઘન્ય કૃત્ય બદલ રાજ્યની પ્રજામાં ભારે આક્રોશ ભભૂકી ઉઠતા રાજ્ય સરકારને અજાણ્યા શખ્સો વિરુદ્ધ એફઆઇઆર નોંધવી પડી હતી. આ ઘટનાના બોલિવૂડમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. વિખ્યાત અભિનેત્રી અનુષ્કા શર્મા અને શ્રધ્ધા કપુરે પોતાના ટિ્‌વટર હેન્ડલ ઉપર ટિ્‌વટ કરીને આ કૃત્યને અમાનવીય ગણાવ્યું હતું. કેરળની ઉત્તરે આવેલા મલ્લાપુરમ જિલ્લામાં રેપિડ રિસ્પોન્સ ટીમના એક સભ્ય અને ફોરેસ ઓફિસર મોહન ક્રિશ્નન જ્યારે એક ૧૫ વર્ષના હાથીને બચાવવા ગયા ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. ગત ૨૭ મેના રોજ એક ગર્ભવતી હાથણી પાણીમાં નહાવા ઉતરી હતી ત્યારે તેણે ફટાકડા ભરેલું પાઇનેપલ ખાઇ લીધું હતું પરંતુ બાદમાં તરત જ તેના મોં માં ભારે વિસ્ફોટ થતાં તે હાથણીનું મોત થયું હતું.
આ ઘટનાની જાણ થતાં આ જઘન્ય કૃત્ય બદલ પ્રજામાં ભારે રોષની લાગણી ભભૂકી ઉઠતા રાજ્ય સરકારને વાઇલ્ડલાઇફ એક્ટની સંબંધિત પેટાકલમ હેઠળ અજાણ્યા શખ્સો વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે એમ મન્નારકાડના રેન્જ ઓફિસરે કહ્યું હતું. કેરળના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ પોતાના ટિ્‌વટર એકાઉન્ટ ઉપર ભારતીય બંધારણના અનુચ્છેદ-૫૧ એ ટાક્યો હતો જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતના પ્રત્યેક નાગરિકના હ્રદયમાં પ્રાણીઓ પ્રત્યે અનુકંપા હોવી જોઇએ. ઉલ્લેખનીય છએ કે હાલ કેરળના જંગલોમાં રહેતા હાથીઓ ખોરાકની શોધમાં જંગલોની બહાર નીકળી આવ્યા છે અને ખોરાક માટે આસપાસના ગામડાઓમાં ફરતા દેખાય છે.
જે ગર્ભવતી હાથણીના મોં માં ફટાકડાનો વિસ્ફોટ થયો હતો તેની જીભ ફાટી ગઇ હતી અને બાદમાં તે પોતાના દર્દથી કણસતી અને ખોરાકની શોધમાં ગામમાં ફરતી જોવા મળી હતી. અમને એવી આશંકા તો પહેલેથી જ હતી કે આ હાથણી જંગલી સૂવરોને ભગાડવાના કામનાં વપરાતા વિસ્ફોટકનો ભોગ બની છએ પરંતુ તેને ફટાકડા ભરેલું ફળ ઇરાદાપૂર્વક જ ખવડાવવામાં આવ્યું હતું એવો હાલ કોઇ પૂરાવો મળતો નથી એમ મન્નારકાડના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર કે.કે. સુનિલકુમારે કહ્યું હતું.