(એજન્સી) તા.૪
સંપૂર્ણ વિશ્વમાં કોરોના વાયરસથી સૌથી વધુ વૃદ્ધ લોકોના મોત થઈ રહ્યા છે. આવામાં કેરળમાં ૯૩ વર્ષના થોમસ અબ્રાહમ અને તેમની પત્ની ૮૮ વર્ષની મરિયમ્માએ કોરોનાને હરાવીને ડોક્ટરોને ચોંકાવી દીધા છે. સમાચાર મુજબ આ બન્ને પાછલા મહિને ઈટાલીથી પરત ફરેલા પુત્ર, પુત્રવધૂ અને પૌત્રના સંપર્કમાં આવવાના કારણે પીડિત થયા હતા. જો કે હવે પરિવારના પાંચેય સભ્ય કોરોના મુક્ત થઈ ગયા છે. વૃદ્ધ દંપત્તિના સ્વસ્થ થવાનું રહસ્ય તેમની જીવનશૈલી છે. તેનો ખુલાસો દંપત્તિના પૌત્ર રિજો મોનસીએ કર્યો. રિજો જણાવે છે કે ૯૩ વર્ષના તેમના દાદાએ જીમ ગયા વિના સિક્સ પૅક બૉડી બનાવી છે. તેમણે ક્યારેય પણ દારૂ અથવા સિગારેટને હાથ લગાવ્યો નથી. કેરળના પથાનામથિટ્ટા જિલ્લાના રહેવાસી થોમસ ખેડૂત છે. રિજો મુજબ આઈસોલેશનમાં રહેવા દરમ્યાન તેમના દાદા-દાદી હંમેશા સાદા અને પૌષ્ટિક આહાર પર ધ્યાન આપતા. દાદા પઝનખાનજી (ચોખાથી બનેલી વાનગી) ખાવાનું પસંદ કરે છે. આ કેરળનું પ્રસિદ્ધ ભોજન છે. આ થુલી અને ચોખાથી મળીને બને છે. તે ઉપરાંત ફળ ખાતા હતા જ્યારે દાદી માછલી કઢી ખાવાનું પસંદ કરે છે. વૃદ્ધ દંપતિની સારવાર કરી રહેલા ડોક્ટરોનું કહેવું છે કે, જ્યારે તેઓ દાખલ થયા હતા તો તેમની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. તેમનું બચવું મુશ્કેલ લાગી રહ્યું હતું પરંતુ ધીમે-ધીમે તે સાજા થતાં ગયા બન્ને અંદરથી ઘણા મજબૂત છે. તેમને જીવન જીવવાની સારી રીત ખબર છે. એક-બે દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. વૃદ્ધ દંપતિના સ્વસ્થ થવા પર કેરળ સરકારે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની પ્રશંષા કરી રાજ્ય સરકારે જણાવ્યું કે આ ચમત્કાર છે કે વૃદ્ધ દંપતિ કોરોનાથી બચી ગઈ. ડોક્ટરો અને આરોગ્ય અધિકારીઓએ તેમના માટે ઘણી મહેનત કરી છે. દંપતિની સારવારમાં સાત ડોક્ટરોની ટીમ લાગી હતી. તે ઉપરાંત ૪૦ મેડિકલ સ્ટાફ જેમાં રપ નર્સ પણ સામેલ હતી. રિજો ઈટાલીમાં રેડિયોલોજીસ્ટ છે. તેમણે જણાવ્યું કે, અમે ઓગસ્ટમાં કેરળ આવવાની યોજના બનાવી રહ્યા હતા પરંતુ મારા દાદાજીએ જલ્દી આવવા માટે જણાવ્યું આ ખરેખર ચમત્કાર છે. હવે અમને લાગે છે કે, આ તેમનો આશિર્વાદ જ હતો. નહિતર આવી સ્થિતિમાં અમે ઈટાલીમાં હોત જ્યાં કોરોના ઘણો ફેલાયો છે અને હજારો લોકોના જીવ લઈ ચૂક્યો છે. દાદાજીએ આ જણાવ્યું હતું કે, અમે લોકો ઈટાલીથી વધુ કેરળમાં સુરક્ષિત રહીશું.