(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
સુપ્રીમ કોર્ટે ૮મી માર્ચે કેરાલા હાઈકોર્ટનો મે-ર૦૧૭નો આદેશ રદ કરી હદિયા અને શફીન જહાંના લગ્નને કાયદેસર ઠરાવ્યો હતો. કોર્ટનો નિર્ણય રપ વર્ષીય હદિયા અને એમના પતિ માટે રાહત આપનારો સાબિત થયો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, હદિયા પોતાની પસંદગી મુજબ લગ્ન કરી શકે છે. સુપ્રીમ કોર્ટના આદેશ પછી હદિયાએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. એમણે કહ્યું કે વિવાદનો સમગ્ર કારણ મારા ઈસ્લામ ધર્મ સ્વીકારવાનો હતો. મેં ઈસ્લામ ધર્મ શફીન સાથે લગ્ન કરવા નથી સ્વીકાર્યો પણ હું ઈસ્લામમાં વિશ્વાસ ધરાવું છું એ માટે મેં ધર્મ પરિવર્તન કર્યો હતો. છેલ્લા બે વર્ષથી કાયદાકીય યુદ્ધ ચાલુ હતું અને છેવટે મને ન્યાય મળ્યો છે. જ્યારથી મારા માતા-પિતાએ મને ઘરમાં નજરકેદ કરી રાખ્યું હતું ત્યારથી સંઘર્ષ શરૂ થયું હતું. મેં ઘણું બધુ ત્રાસ સહન કર્યું હતું. હદિયાએ કહ્યું કે, મને સ્વતંત્રતા મળવાથી હું ખરેખર પ્રસન્ન છું. હું સુપ્રીમ કોર્ટમાં બે કારણોના લીધે ગઈ હતી. એક હું મુસ્લિમ તરીકે રહેવા માગતી હતી અને બીજું હું મારા પતિ સાથે રહેવા ઈચ્છતી હતી. રપ વર્ષીય મહિલાએ કહ્યું કે મને ૧૦૦ ટકા ખાત્રી છે કે મેં કંઈ ખોટું કર્યું નથી જેથી મને મારા જ ઘરમાં પૂરી રાખવામાં આવ્યું હતું. જે લોકોએ એમને સાથ આપ્યો હતો એમનો હદિયાએ આભાર માન્યો હતો. એમણે કહ્યું કે બંધારણ અમે બધાને પોતાના ધર્મની પસંદગી કરવાનો અને કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર આપે છે કારણ કે એ એમની સ્વતંત્રતાનો પ્રશ્ન છે જેથી એ સીધી સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. મને ઘણાં બધા લોકોએ કહ્યું હતું કે મારે માતા-પિતા સાથે એ રીતે વર્તન નહીં કરવું જોઈએ પણ પરિસ્થિતિઓ એવી બની હતી કે અન્ય કોઈ વિકલ્પ જ ન હતો. હું મારા માતા-પિતાને પ્રેમ કરૂં છું. હું એમને દુઃખ પહોંચાડવા ઈચ્છતી નથી. છેલ્લા બે વર્ષ દરમિયાન મારો અભ્યાસ બગડ્યો હતો. મને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે આ પ્રકારની ઘટનાઓ બનશે.