(એજન્સી) કોચિ,તા.૧૮
૩૧ મે સુધી લોકડાઉન વધારવા અંગે કેન્દ્રના આદેશનું પાલન કરતા કેરળે દારૂના સ્ટોર્સ અને વાળંદની દુકાનો ૨૦ મેથી ખોલવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રના આદેશ મુજબ જોકે, કેરળે શાળાઓ અને કોલેજોની પરીક્ષાઓ મોકૂફ રાખી છે. આ નિર્ણય મુખ્યમંત્રી પિનરાઇ વિજયનની અધ્યક્ષતાવાળી સમીક્ષા કમિટી દ્વારા સોમવારે સવાલો લેવાયો હતો. સિનિયર અધિકારીએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, અમે રાજ્યમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરી છે અને ૨૦ મેથી દારૂના સ્ટોર ખોલવા તથા વાળંદની દુકાનો ખોલવાનો નિર્ણય લીધો છે. પરંતુ આગામી નોટિસ સુધી બ્યૂટી પાર્લર બંધ રહેશે. અધિકારીએ જણાવ્યું કે, શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓની પરીક્ષા મોકૂફ રખાઇ છે. આંતરજિલ્લા સ્તરે પરિવહન માટે પોલીસ પાસ જરૂરી છે. કેરળે બાર, બીયર અને દારૂના પાર્લરમાં દારૂને પાર્સલથી વેચવાની મંજૂરી આપી છે. જે વ્યક્તિ દારૂ લેવા માગે છે તેણે પહેલા એપથી ઓર્ડર આપવો પડશે. ખરીદી પછી મોબાઇલ પર ક્યુઆર કોડ વેરિફાય કરાવવો પડશે. કેરળમાં ૩૦૧ સરકાર સંચાલિત દારૂની આઉટલેટ, ૩૧૬ થ્રી સ્ટાર બાર હોટેલ, ૨૨૫ ફોર સ્ટાર, ૫૧ ફાઇવ સ્ટાર, ૧૧ હેરિટેજ હોટેલ બાર અને ૩૫૯ બાર પાર્લર છે. તમામ બાર અને પાર્લરે નિયત કિંમતમાં જ વેચાણ કરવું પડશે. લોકડાઉનની ૨૪ માર્ચે જાહેરાત થયા બાદથી જ કેરળમાં તમામ દારૂની દુકાનો બંધ કરાઇ હતી. લોકડાઉન દરમિયાન દારૂ ન મળતા અત્યારસુધી રાજ્યમાં સાત લોકોએ આત્મહત્યા કરી છે. આ દરમિયાન રાજ્ય સરકારને દારૂની આવકમાંથી મળતી મહેસૂલમાં ૨૨૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.