(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
બુધવારે બોલીવુડના મહાન અભિનેતા ઈરફાન ખાને આ ફાની દુનિયામાંથી વિદાય લીધાં બાદ, ગરૂવારે બોલીવુડના અન્ય એક મહાન અભિનેતા ઋષિ કપૂરે પણ દુનિયાને અલવિદા કહેતા સમગ્ર બોલીવુડ શોકમગ્ન બની ગયું છે. બોલીવુડ સહિત તમામ ક્ષેત્રની જાણીતી હસ્તીઓ દ્વારા ઋષિ કપૂરને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યું હતું.
બોલીવુડના અભિનેતા સંજય દત્તે પણ ટ્‌વીટર પર એક પત્ર લખીને ઋષિ કપૂરને યાદ કર્યા હતાં. તેમણે લખ્યું હતું કે, “વ્હાલા ચિન્ટુ સર, તમે હંમેશા મારી કારકિર્દી અને જીવન માટે પ્રેરણાસ્ત્રોત રહ્યાં છો. જ્યારે હું મુશ્કેલીભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો, તે સમયે પણ તમે મારી સાથે ઉભા રહ્યાં અને મને શીખવાડ્યું કે, જીવનને ઉમંગોની સાથે જીવવું જોઈએ. મેં આપની સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ. આ દરમિયાન તમે હંમેશા મને માર્ગદર્શન આપ્યું. તમે લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યાં હતાં, પરંતુ તમે મને ક્યારેય એવો અહેસાસ ન થવા દીધો કે, તમે કેટલી મુશ્કેલીમાં છો. ન્યૂયોર્કમાં પણ વાતચીતના સમયે તમારામાં ઉમંગ છલકાતો હતો. મારી પાછલી મુલાકાત તમારી સાથે તમારા ઘરે એક ડિનર પાર્ટી વખતે થઈ હતી. તે સમયે પણ તમે મારૂં ધ્યાન રાખી રહ્યાં હતાં. આજે મારા માટે સૌથી મોટો દુઃખનો દિવસ છે, કારણ કે, મેં પરિવારના એક સભ્ય, ભાઈ અને એક એવા વ્યક્તિને ગુમાવી દીધાં છે કે, જેમણે મને જિંદગી જીવતાં શીખવાડ્યું. હું તમને બહુ યાદ કરીશ ચિન્ટુ સર. ભગવાન તમારા આત્માને શાંતિ અર્પે. આઈ લવ યુ ચિન્ટુ સર.” ઋષિ કપૂરે પોતાનાં પિતા રાજ કપૂરની ફિલ્મ ‘શ્રી ૪૨૦’માં બાળ કલાકાર તરીકે ભૂમિકા ભજવીને મોટાં પડદા પર તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ ફિલ્મ ‘મેરા નામ જોકર’માં પણ જોવા મળ્યાં હતાં. જો કે, વર્ષ ૧૯૭૩માં આવેલી ફિલ્મ ‘બોબી’માં તેઓ મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યાં. ‘બોબી’એ ઋષિ કપૂરની મુખ્ય અભિનેતા તરીકેની પહેલી ફિલ્મ હતી.