ગાંધીનગર, તા.ર૬
રમશે ગુજરાત અને જીતશે ગુજરાત જેવા સૂત્રો આપી રાજ્યમાં કરોડો રૂપિયાના ખર્ચે ખેલ મહાકુંભ યોજીને રાજ્યની સરકાર રમત-ગમત ક્ષેત્રે બાળકો અને યુવાનોને આગળ વધવા પ્રોત્સાહન આપતી હોવાના દાવા કરે છે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. જો ખરેખર રાજ્ય સરકાર બાળકોને રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માંગતી હોય તો શાળાઓમાં રમત-ગમતના મેદાન આપવા જોઈએ. તેની સામે રાજ્યની ૬૯ર૧ પ્રાથમિક શાળાઓમાં રમત-ગમતના મેદાનો જ નથી. ત્યારે કેવી રીતે રમશે ગુજરાત અને કેવી રીતે જીતશે ગુજરાત ? તેવો સવાલ ઉઠવા પામ્યો છે. તેમજ ર૪ કલાક વીજળીના દાવા વચ્ચે ૧૪ પ્રાથમિક શાળાઓમાં વીજળી જ નથી. ગુજરાત વિધાનસભામાં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં જુદી-જુદી સુવિધાઓ બાબતે ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં વિગતો બહાર આવી છે કે રાજ્યના ૩૧ જિલ્લાઓમાં રમત-ગમતના મેદાનની સુવિધાઓ વગરની ૬૯ર૧ શાળાઓ છે જેમાં સૌથી વધુ દાહોદમાં ૬૯૩ શાળા, બનાસકાંઠામાં ૬પ૮ શાળા, પંચમહાલમાં પ૬પ શાળા, ભરૂચમાં ૪૩૯ શાળા, તાપીમાં ૩૪૧ શાળામાં મેદાનો જ નથી. જ્યારે રાજ્યની ૬૩૧૧ પ્રાથમિક શાળાઓમાં કમ્પાઉન્ડ વોલની સુવિધા જ નથી. તેમજ રાજ્યની ૧૪ પ્રાથમિક શાળાઓમાં વીજળીની સુવિધા જ નથી. જેમાં પોરબંદરની ૮ શાળા, બનાસકાંઠાની બે શાળા, જ્યારે ગીર-સોમનાથ, જામનગર, તાપી અને દેવભૂમિ દ્વારકામાં એક-એક શાળામાં મળીને કુલ ૪ શાળામાં વીજળીની સુવિધા નથી. એવું લેખિતમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણ ક્ષેત્રે નંબર ૧ હોવાના બણગાં ફૂંકતાં રાજ્યની ભાજપ સરકારના રાજ્યમાં ૩૧ જિલ્લાઓમાં રમત-ગમતની સુવિધા વગરની ૬૯ર૧ શાળાઓ છે ત્યારે મેદાન વગર જ શાળાને મંજૂરી અપાઈ તે ભ્રષ્ટાચાર થયો હોય તેની ચાડી ખાય છે ત્યારે શાળામાં મેદાનો ન હોય ત્યારે કેવી રીતે રમશે ગુજરાત ? અને રાજ્યની શાળામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ઈન્ટરનેટ કનેકશનો આપ્યા હોવાના સરકાર દાવા કરે છે જ્યારે બીજી બાજુ રાજ્યની ૧૪ શાળાઓમાં વીજળીની સુવિધા જ નથી તો આ શાળાના બાળકો માટે ઈન્ટરનેટ અને કોમ્પ્યુટરની તો કલ્પના જ કરવી રહી.