(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
ચોકબજાર એસબીઆઈ બેન્ક પાસેથી રોકડા રૂપિયા ભરેલી બેગની વાનમાંથી ઉઠાવી ગાયબ થઈ જનારાને હજુ સુધી સુરત પોલીસ શોધી શકી નથી. ડીસીબી પોલીસે અઠવા, પીસીબી, એસઓજી સહિતની આઠ જેટલી પોલીસ ટીમ બનાવી ચારેકોર તપાસ કરી રહી છે. પરંતુ હજુ સુધી રોકડા રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરી જનારના સગડ મળ્યા નથી. રેડિયન્ટ કેસ મેનેજમેન્ટ પ્રા. લિ.કેસ મેનેજમેન્ટ કરવાનું કામ કરે છે. ગત તા.૧૭મીના રોજ આ કંપનીની વાન એસબીઆઈ ચોકબજાર બ્રાન્ચમાં કેસ જમાં કરવા ગઈ હતી. ત્યારે ત્રણ અજાણ્યા ગઠિયા વ્યક્તિ વાનમાંથી રોકડા રૂા.૧૯.૫૨ લાખવાળી બેગની ઉઠાંતરી કરી ગણતરીના સમયમાં ગાયબ થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે ફૂટેજની આધારે આ અજાણ્યા ગઠિયાઓની ઓળખ માટે સધન પ્રયાસો હાથ ધર્યા છે. આ ગઠિયાઓ બેગ લઈને ભાગ્યાએ દિશા તરફના તમામ સીસી ફૂટેજ પોલીસે ફંફોડી નાખ્યા હતા. ડીસીબી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોબાઈલ સર્વેન્સ સહિત તમામ ટેકનોલોજીનો ઉપયોગ કરી આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.