વંથલી, તા.ર૩
કેશોદના મુસ્લિમ યુવાન હાસમ ઈકબાલ પઠાણને કેશોદ પોલીસે સામાન્ય ગુનામાં ધરપકડ કરી જૂનાગઢ જિલ્લા જેલ હવાલે કરેલ હતો પરંતુ જેલ સત્તાવાળાઓ દ્વારા આ આરોપીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલ જ્યાં ફરજ પર ડોક્ટરોએ આરોપીને મૃત જાહેર કરતા જેલ સત્તાવાળાઓએ તેના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો અને મિત્ર મંડળ હોસ્ટલ આવી પહોંચેલ જ્યાં મૃત્યુ પામેલ આરોપીના શરીર ઉપર માર માર્યાના અસંખ્ય નિશાનો જોવા મળતા પરિવારજનોએ જેલ સત્તાધીશો ઉપર આક્ષેપ કરી આ શંકાસ્પદ મોત નિપજ્યું હોય તેના પેનલ પીએમની માંગ કરી જેલ સત્તાધીશો સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દેતા માહોલ ગરમાયો હતો ત્યારે અલ્પસંખ્યક અધિકાર મંચના ઈરફાનશાહ સોહરાવદી, સલીમ સમા, અલીભાઈ સાંધ, હુસેનભાઈ દલ, વલીમહંમદ સીડા સહિતના મુસ્લિમ અગ્રણીઓ સ્થળ ઉપર દોડી જ્યાં મૃતકના પરિવારજનોને સાંત્વના આપી તેને સાથે રાખી રેન્જ આઈ.જી. સુભાષ ત્રિવેદી જિલ્લા પોલીસ વડા સૌરભસિંગ નાયબ પોલીસ અધિક્ષક જાડેજા સહીતના પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓને રૂબરૂ મળી આ સમગ્ર ઘટનાથી વાકેફ કરાયા હતા અને આ સંદીગ્ધ મોતની ન્યાય તપાસ કરવા અને જવાબદારો સામે ન્યાયીક કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી જેમાં આઈ.જી. સુભાષ ત્રિવેદીએ પોલીસ તંત્ર પર અને પોલીસ ઈન્વેસ્ટીગેશન પર વિશ્વાસ રાખવા જણાવતા મુસ્લિમ અગ્રણીઓએ બકરી ઈદ અને શ્રાવણ માસના તહેવારોને ધ્યાનમાં રાખી કોમી વેમનસ્ય ન સર્જાય તેમજ વાતાવરણ તંગ ન બને અને કોઈ અનીચ્છનીય ઘટના ન સર્જાય તે માટે મૃતકના પરિવારોને સમજાવી લાશ સંભાળી લેવા સમજાવતા જે તે સમયે મામલો થાળે પડ્યો હતો. પરંતુ એ વાતને આજે ર૦થી રપ દિવસ જેવો સમય વિતી ગયો હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા અનેક પ્રશ્નો ઉદ્‌ભવી રહ્યા છે. આ ગંભીર ઘટનામાં તટસ્થ ન્યાયિક અને કુદરતના ખોફ સાથે તપાસ કરવા આ અગ્રણીઓએ માગણી કરી છે અને જો આ ગંભીર ઘટનામાં તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો ભોગ બનનાર યુવાન પરિવારજનોને સાથે રાખી ન્યાયીક આંદોલન અને હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.