(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.ર૧
કેશોદ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોએ વેચેલ તુવેરના નાણાં ચાર માસે પણ ન ચૂકવાતા તાલુકાના ખેડૂતોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને મહત્ત્વના તહેવાર કેમ કરવા ? તેવી ચિંતામાં મૂકાયા છે. આ અંગે તાત્કાલિક ખેડૂતોને તુવેરનું પેમેન્ટ ચૂકવવા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટુભાઈ પોકિયા અને વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાએ ગાંધીનગરના કૃષિનિયામકને રજૂઆત કરી છે.
કેશોદ તાલુકાના ખેડૂતોએ કેશોદ માર્કેટીંગ યાર્ડમાં આજથી આશરે ચાર માસ પહેલા પોતાના ખેત ઉત્પાદનની તુવેર ટેકાના ભાવે વહેંચેલ હતી. તે તુવેરનું આજ ચાર માસ બાદ પણ પેમેન્ટ ન મળતા આર્થિક રીતે પાયમાલ થયેલ ખેડૂતોએ તહેવાર કેમ કરવા ? એવી ચિંતામાં મૂકાયા છે. ખેડૂતોના હિતની પોકળ વાતો કરતી ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોને પોતાના હક્કનું તુવેર દાળનું પેમેન્ટ ન ચૂકવીને ખેડૂતોને આર્થિક મુશ્કેલી ઊભી કરેલ છે. આ અંગે કેશોદ તાલુકાના અજાબ ગામ સહિતના ખેડૂતોનું તુવેરનું પેમેન્ટ રોકાતા ખેડૂતોએ અનેક વાર સંબંધિત વહીવટી તંત્રને આવેદનપત્રો આપીને રજૂઆતો કરી હતી તેમ છતાં સરકારે ધ્યાને ન લઈને ખેડૂતો સાથે તેમનો માલ લઈને વિશ્વાસઘાત કર્યાની સ્થિતિનું નિર્માણ કરે છે. કોઈ ખાનગી પેઢી કદાચ ખેડૂતોનો માલ લઈને વિશ્વાસઘાત કરે કે મોડુ કરે તે માની શકાય પરંતુ માર્કેટીંગ યાર્ડ તુવેર ખરીદીને બિલ ન આપી તહેવારના સમયે ઠાગાઠૈયા કરે છે જેથી વહેલામાં વહેલી તકે કેશોદ તાલુકાના ખેડૂતોનું બાકી નિકળતુ તુવેરનું લેણુ સરકાર ચૂકવે તેવો ખેડૂતો વતી પત્ર લખી વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટુભાઈ પોકિયાએ માંગ કરી છે. તેવું કાર્યાલય મંત્રી વી.ટી. સીડાની યાદી જણાવે છે.
કેશોદ તાલુકાના ખેડૂતોને તાત્કાલિક તુવેરના નાણાં ચૂકવવા કૃષિ નિયામકને રજૂઆત

Recent Comments