જૂનાગઢ, તા.૬
માણાવદર તાલુકામાં માત્ર ૪ કલાકમાં જ અનરાધાર વરસાદ વરસતાં બાંટવા ખારો ડેમનાં ૬ દરવાજા ખોલાયા હતા. ભારે વરસાદને પગલે કોડવાવ, એકલેરા, પાજોદ સહિતના ૬ ગામો વિખુટા પડી ગયા હતાં. જ્યારે કોડવાવ ગામનું બસ સ્ટેન્ડ ૩ ફૂટ પાણીમાં ગરકાવ થયું હતું. માણાવદર પંથકમાં ધોધમાર ૮થી ૧૨ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો હતો. બાંટવા ખારો ડેમમાં પાણીનો પુષ્કળ જથ્થો થઈ જતાં ડેમમાં ૬ દરવાજા ૨ ફૂટથી વધુ ખોલવા પડેલ છે. ડેમમાંથી પાણી છોડતાં કોડવાવ, એકલેરા સહિતના ૫ ગામો તેમજ બુરી, જીલાણામાં ૯ ઈંચ વરસાદ ખાબકતાં રસ્તા ઉપર પાણી ફરી વળતાં વિખુટા પડેલ છે. ભારે વરસાદનેે પગલે ખારા ડેમમાં ૬થી ૭ ફૂટ પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. ભારે વરસાદને પગલે ખારા ડેમમાં ૬થી ૭ ફૂટ પાણીના જથ્થાનો સંગ્રહ થયા છે. ઓઝત નદીમાં પૂર આવતાં નીચાણવાળા ગામોને સાવચેત કરાયા હતા. જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ અનુસાર માણાવદર નજીક આવેલો રસાલા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. જ્યારે કેેશોદ નજીક આવેલ બામણિયા ખાતે સાબલી નદી ઉપરનો પૂલ ધારાશાયી થઈ ગયો છે.