ભુવનેશ્ર્‌વર,તા.૨૫
ભારતે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવતી કાલે ઓસ્ટ્રેલિયા સામે શરૂ થતી બોક્સિંગ ડે ટેસ્ટ મેચના એક દિવસ પહેલા જ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. આ મેચમાં યુવા બેટ્‌સમેન શુભમન ગીલ અને ઝડપી બોલર મોહમ્મદ સિરાજને શામેલ કરવામાં આવ્યા છે. આશ્ચર્યજનક રીતે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઓપનર બેટ્‌સમેન કે એલ રાહુલને પડતો મુકવામાં આવ્યો છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં કે એલ રાહુલ સૌથી ઉપયોગી બેટ્‌સમેન સાબિત થતો હોવા છતાંયે તેને મેલબોર્ન ટેસ્ટમાંથી પડતો મુકવામાં આવતા ચાહકો બરાબરના ભડક્યા છે.
ચાહકોએ કોચ રવિ શાસ્ત્રી પર બરાબરરનો બળાપો ઠાલવ્યો હતો. કે એલ રાહુલને ટીમમાંથી બહાર કરવામાં આવતા સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો છે. ચાહકોએ રાહુલના બદલે હનુમા વિહારીને ટીમમાં શામેલ કરવાના નિર્ણય પર સવાલ ઉભા કર્યા છે. સોશિયલ મીડિયા પર ચાહકોએ રવિ શાસ્ત્રી અને ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયની ભારે ટીકા કરી છે. લોકોનું કહેવું છે કે, આ અનુભવહિન બેટિંગ લાઈનઅપમાં એટલો દમ નથી કે તે ઓસ્ટ્રેલિયાના બોલરોનો સામનો કરી શકે. ટિ્‌વટર પર ક્રિકેટ ચાહકોએ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન જોતા જ કહ્યું હતું કે, હનુમા વિહારીને બહાર બેસાડી કે એલ રાહુલને ટીમમાં શામેલ કરવાની જરૂર હતી. એડિલેટ ટેસ્ટમાં વિહારીએ પહેલી ઈનિંગમાં ૧૬ અને બીજીમાં માત્ર ૮ રન નોંધાવ્યા હતાં. કે એલ રાહુલની વાત કરવામાં આવે તો તેણે ૩૬ ટેસ્ટ મેચમાં ૨૦૦૬ રન બનાવ્યા છે. જેમાંથી ૫ સદી અને ૧૧ અડધી સદ્દીનો સમાવેશ થાય છે. ટેસ્ટ ક્રિકેટમાં કે એલ રાહુલનો સૌથી વધુ અંગત સ્કોર ૧૯૯ રનનો છે. આઈપીએલમાં પણ રાહુલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.