(મુનીર શેખ) અંકલેશ્વર, તા.૪
ભરૂચના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય નેતા મર્હુમ અહમદભાઇ પટેલના નિધનને ૪૦ દિવસ પૂર્ણ થતા તેમના ઘરે કુર્આન ખ્વાની સહિત તેમના પ્રયત્નો થકી નિર્માણ પામેલ સરદાર પટેલ હોસ્પિટલ ખાતે તેમને શ્રદ્ધાંજલિના ભાગરૂપે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો પ્રારંભ આજરોજ કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડીઓલોજી ખાતે જનરલ મેડિસિન, દાંતના રોગો અને જનરલ સર્જરીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૪ જાન્યુઆરીથી ૬ જાન્યુઆરી દરમિયાન યોજાનારા કેમ્પમાં સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીમાં ભરૂચ-અંકલેશ્વર ઉપરાંત સુરત અને વડોદરાના દર્દીઓએ પણ લાભ લીધો હતો. કુલ ૧૧૫૨ દર્દીઓએ આ કેમ્પ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના ૧૬૩, ભરૂચના ૧૨૮, વાલિયાના ૭૦ સહિત તમામ તાલુકાઓ અને વડોદરાના દર્દીઓ તેમજ સુરતના પણ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.
આ પ્રસંગે મર્હૂમ અહમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝબેન પણ ખાસ હાજર રહ્યા હતા. એમની સાથે ધારાસભ્ય પરેશ ધાનાણી, ગૌરવ પંડ્યા સહિત પ્રદેશ કોંગ્રેસના રાજેન્દ્રસિંહ રાણા, યુનુસ પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા સહિત હોસ્પિટલના ટ્રસ્ટીઓ જયેશ પટેલ તથા ચંદ્રેશભાઇ જોશી, ઇકબાલભાઈ ઉનીયા પણ હાજર રહ્યા હતા અને સવારે આ કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, અહમદભાઇ પટેલ ભલે આપણી વચ્ચે નથી પરંતુ એમના કાર્યોની સુવાસ વહાવતી આ હોસ્પિટલ આપણી વચ્ચે છે. આગામી સમયમાં પણ એમના સંતાનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ જ રહેશે એ જરૂરિયાતમંદ લોકો માટે અત્યંત આશીર્વાદરૂપ બાબત છે. આ કેમ્પમાં હોસ્પિટલના ટ્રસ્ટીઓ ઉપરાંત પેરામેડિકલ સ્ટાફ સહિત તમામ તબીબોએ પણ રાઉન્ડ ધ ક્લોક સેવા આપી હતી અને દર્દીઓને યોગ્ય નિદાન સહિત સારવારની પણ સલાહ આપી હતી.
Recent Comments