અમદાવાદ, તા.ર૧
આજે યોજાયેલી જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં દાંતા તાલુકાની હડાદ બેઠક ઉપર ઉભેલા કોંગ્રેસના ઉમેદવારના નામની સામે પંજાના નિશાનને બદલે ભાજપના કમળનું ચિહ્ન છપાઈને આવતા કોંગ્રેસના ઉમેદવારે તાત્કાલિક ચૂંટણી અધિકારીનું ધ્યાન દોરવા છતાં લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી ન કરાતા જવાબદારો સામે પગલાં ભરવા કોંગ્રેસે માગણી કરી છે.
સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારને નુકસાન થાય તે પ્રકારની ઘટના સ્પષ્ટ જણાય છે. ત્યારે બનાવમાં ગેરરીતિ આચરનાર અને કોંગ્રેસના ઉમેદવારના નામની સામે પંજાના ચિહ્નને ન છાપીને નુકસાન કરનાર જવાબદાર સામે પગલાં લેવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી રાજ્ય ચૂંટણીપંચની કામગીરી શંકાના દાયરામાં છે અનેક જગ્યાએ વહીવટી તંત્રે ભાજપના ખેસ પહેર્યા વિનાના કાર્યકર્તા હોય તેમ વર્તન કરી રહ્યાં છે. દાંતા તાલુકાની હડાદ બેઠક પરના કોંગ્રેસ પક્ષના ઉમેદવારના નામની સામે પંજાના નિશાનને બદલે ભાજપનું ચિહ્ન ઈ.વી.એમ. પર છપાઈ જાય તે પ્રિન્ટીંગ મીસ્ટેક નથી પરંતુ જાણી જોઈને સત્તાધારી પક્ષને મદદરૂપ થવા અને કોંગ્રેસ પક્ષને નુકસાન કરવા માટેનું કાવતરૂ જણાય છે.