(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૩૧
વડોદરાના કોંગ્રેસના પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ પર માસ્કના દંડની વસુલાત બાબતે નવાપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ દ્વારા લાફા ઝીંકી દેવાના બનાવ બાદ આજે કોંગ્રેસના અગ્રણીઓ સહિતના કાર્યકરોએ પોલીસ કમિશનર ઓફિસ ખાતે હલ્લાબોલનો કાર્યક્રમ આપી હોબાળો મચાવ્યો હતો સાથે સાથે કમ્પાઉન્ડમાં નીચે બેસી જઈને પીએસઆઇ સામે પગલાં ભરવાની માગણી કરી હતી. કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનર ને રજૂઆત કરવામાં આવી હતી.
કોંગ્રેસ આગેવાનોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનામાંસ્થળ પર મહિલા પોલીસ કર્મી ન હોવા છતાં પુરુષ પોલીસ દ્વારા મહિલાઓને દંડ કરવામાં આવ્યો અને તેમની જોડે ખરાબ વર્તન કરી અસભ્ય ભાષાનો પ્રયોગ કર્યો. સ્થળ પર હાજર અધિકારીઓ દ્વારા કોઇપણ પ્રકારનો પોલીસ યુનિફોર્મ પહેર્યો ન હોવા છતાં ત્યાં દંડ ઉઘરાવતા હતા તે અયોગ્ય છે અને આવા જ કોઇપણ ૪ લોકો કોઈ પાવતી બુક લઈને ઊભા રહે તો તેનું શું પોલીસ સમજવવા કે નહીં. માસ્ક ન પહેર્યું હોય અને તેના દંડ આપવામાં વિરોધાભાષી મત હોય તો શું પોલીસને સ્થળ પર લાફા અને મુક્કા મારવાનો અધિકાર આપેલો છે. પૂર્વ સાંસદ જોડે જો પોલીસ આવું ખરાબ વર્તન કરતી હોય તો જાહેર જનતા તો ભગવાન ભરોસે જ છે તેવું માનવું પડે. આ સમગ્ર ઘટના અને મુદ્દા ધ્યાનમાં લઇ ખરાબ વર્તન કરેલા પોલીસ સ્ટાફ અને ખાસ કરીને ઁજીૈં ડી.એસ. પટેલ જેમને પૂર્વ સાંસદ પર હુમલો કર્યો અને તેમની ઘરે જઈ તેમને વોન્ટેડ કરાય તેવા કેસ કરવાની ધમકી આપી તેમને ફરજ પરથી મુક્ત કરવામાં આવે તેવી સમગ્ર વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ ની માંગણી છે.
રજૂઆત બાદ પોલીસ કમિશનરે કોંગ્રેસ આગેવાનોને તપાસની ખાતરી આપી હતી અને જરૂરી પગલાં ભરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનાની તપાસ કરવા પોલીસ કમિશનરે આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ ને જવાબદારી સોંપી છે. દરમિયાનમાં કોંગ્રેસના શહેર પ્રમુખ પ્રશાંત પટેલ પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડે જણાવ્યું હતું કે નવાપુરા ના પીએસઆઇના ઉદ્ધત વર્તન સામે પગલાં ભરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે રોજ બરોજ પોલીસની દાદાગીરીનો અનુભવ સામાન્ય જનતાને થઈ રહ્યો છે અને જે રીતે કોઇ આતંકવાદી હોય તે રીતે સામાન્ય પબ્લિકને પકડીને માસ્ક માટે દંડ વસૂલ કરવામાં આવે છે.