(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩
કોરોનાની મહામારીને કારણે લોકડાઉન કરાતા અગાઉ રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના પાંચ ધારાસભ્યો તોડવાના પ્રયત્નો કરી રાજકીય હલચલ ઊભી કર્યા બાદ લોકડાઉનમાં લોક થઈ ગયેલી રાજ્યસભાની ચૂંટણી અનલોક થતાં જ પુનઃ યોજવાની જાહેરાત થઈ ચૂકી છે. આ જાહેરાત થતાં જ રાજ્યએ પુનઃ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની ગંદી રાજનીતિ શરૂ કરી દીધી છે. એ દરમિયાન કોંગ્રેસના ત્રણ પાટીદાર ધારાસભ્યો પાટીદાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળતા ભાજપ-કોંગ્રેસની ત્રણ વિકેટ ખેરવશે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોરોનાના મહામારી વચ્ચે ચૂંટણી પંચે ગુજરાત સહિતની રાજ્યસભાની ૧૮ બેઠકોની ચૂંટણી જે મુલત્વી રાખી હતી, તે ૧૯ જૂનના રોજ યોજાવાની જાહેરાત કરીને રાજકીય હલચલ ઊભી કરી દીધી છે. ફરીથી ભાજપ પોતાના ધારાસભ્યો તોડવાના મિશનમાં લાગી ગયું છે. કોંગ્રેસના ૩ પાટીદાર ધારાસભ્યોએ નીતિન પટેલની મુલાકાત કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના લલિત કગથરા, લલિત વસોયા, કિરીટ પટેલ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલને મળ્યા હતા. રાજ્યસભાની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસના ૩ પાટીદાર ધારાસભ્યોની અવરજવર ચર્ચાનો વિષય બન્યો છે. લોકડાઉન અગાઉ સોમા પટેલે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. રાજ્યસભાની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યોની આવી રીતની અવરજવર ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ કોંગ્રેસના સોમા પટેલે કોંગ્રેસના સ્ન્છ પદેથી રાજીનામુ આપ્યું હતું. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો સ્વર્ણિમ સંકુલ વનમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા પહોંચ્યા ત્યારે ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે, તેમની વચ્ચે શું ચર્ચાનો વિષય બન્યો હતો. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં રાજ્યસભાની ૪ બેઠકોનો સમાવેશ થાય છે અને આ માટે ભાજપના ત્રણ તથા કોંગ્રેસના બે ઉમેદવારો વચ્ચેના જંગમાં ૧૯ના રોજ મતદાન અને મત ગણતરી પણ યોજાશે અને રાજ્યમાં જે રીતે ધારાસભ્યોની સ્થિતિ છે, તે મુજબ ભાજપ-કોંગ્રેસ ૨-૨ બેઠકો આસાનીથી જીતી શકે તેમ હતા, પણ ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને પોતાની બેઠકો ૯૯થી વધારીને ૧૦૩ સુધી પહોંચાડી છે. કોંગ્રેસમાંથી પાંચ ધારાસભ્યો ઓછા કર્યા પછી ત્રીજી બેઠક જીતવા એક એક મત માટે ઝઝૂમી રહેલા ભાજપમાં ચેપગ્રસ્ત ધારાસભ્યોની સંખ્યા વધે નહી તેની ચિંતા વધી ગઇ છે. સામે પક્ષે અપક્ષ જિગ્નેશ મેવાણી સાથે ૭૩માંથી ૬૯ના સંખ્યાબળે પહોંચેલા કોંગ્રેસને પણ પોતાના ધારાસભ્યોને તોડોના વાઇરસથી ચેપમુક્ત રાખવામાં ફરી એકવાર ક્વોરન્ટાઇન કરવા પડે તો નવાઇ નહી. હાલની સ્થિતિમાં ભાજપ પાસે ૧૦૩ અને કોંગ્રેસ પાસે ૬૮ ધારાસભ્યો છે અને રાજ્યસભામાં જીતવા માટે દરેક ઉમેદવારે પ્રથમ પસંદગીના ૩૫ મતો જરૂરી બને છે. રાજ્યની ૧૮૨માંથી ૭ બેઠકો ખાલી છે. આથી ૧૭૫ બેઠકોમાં ભાજપ ૧૦૩ ધરાવે જે પ્રથમ પસંદગીના ૧૦૫ મતોમાં બે ઘટે છે. કોંગ્રેસ પાસે ૬૮ ધારાસભ્યો છે જેને બે બેઠકો જીતવા ૭૦ મતો જરૂરી છે. આમ તેના માટે બે મતો જરૂરી છે. કોંગ્રેસને અપક્ષ જીજ્ઞેશ મેવાણી અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ૨ મળી કુલ ત્રણ મતોની આશા છે. પણ છોટુ વસાવા જેઓ પિતા-પુત્ર બન્ને ધારાસભ્ય છે. તેઓનું વલણ અકળ છે, જ્યારે ભાજપ કુતિયાણાના એનસીપીના ધારાસભ્યનો મત અંકે કરવાનો પ્રયત્ન કરશે.

અમે અમારા વિસ્તારના પ્રશ્નોને લઈ મળ્યા
હતા; કોંગ્રેસમાં જ છીએ ને રહીશું

કોંગ્રેસના ત્રણ પાટીદાર ધારાસભ્યો નીતિન પટેલને મળ્યા તે અંગે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ખુલાસો કરતા જણાવ્યું કે, કેટલીક રજૂઆતોના અનુસંધાને મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા હતા અને પાછલા ત્રણ મહિનાથી કેટલીક રજૂઆતો અને માગણીઓ પેન્ડીંગ હતી તેને લઈને સીધા મુખ્યમંત્રી સમક્ષ જ રજૂઆત કરી હતી. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને તો ઔપચારિક ખાતર જ મળ્યા હતા. મારી રજૂઆત હતી કે લોકડાઉન દરમિયાન એક-એક વિધાનસભા મત વિસ્તારમાં ૧૪૪ અને ૧૮૮ના ત્રણથી ચાર હજાર કેસ નોંધવામાં આવ્યા છે. આ કેસોમાંથી લોકોને મુક્ત કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસના અન્ય ધારાસભ્ય લલિત કગથરાએ ખેડૂતને ખોટી રીતે પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યો છે તે અંગેની રજૂઆત કરવામાં આવી છે તો ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા તેમના મત વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં ડોક્ટરની નિમણૂંકનો પ્રશ્ન લાંબા સમયથી પડતર છે તે અંગે રજૂઆત કરવામાં આવી છે. રાજ્યસભાની ચૂંટણીને લીધે મળ્યા જ નથી અમે કોંગ્રેસમાં જ છીએ અને રહીશું.