ભાવનગર,તા.૧૬
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યાના પડઘા ભાવનગર પંથકમાં પણ પડયા છે. કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર અને પ્રતાપ દુધાતના સમર્થનમાં ભાવનગર શહેર જિલ્લાના આહીર સમાજના તેમજ અન્ય લોકો રોડ ઉપર ઉતરી આવ્યા છે. ગઈકાલે મોડી રાત્રે ભાવનગર નજીકના રંગોલી ચોક પાસે લોકોએ ટાયર સળગાવી ચક્કાજામ કરી દીધો હતો. તે જ રીતે તળાજા પંથકમાં પણ ચક્કાજામ સૂત્રોચ્ચાર અને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને સરકાર વિરૂધ્ધમાં નારા લગાવી વાતાવરણ ગુંજાવી દીધું હતું. ટ્રાફિક જામ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ભાવનગરના લોકોએ અમરીશ ડેર સહિતના ધારાસભ્યોની સસ્પેન્શન રદ કરવા અન્યથા વિધાનસભાં ઘેરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.