(એજન્સી) તા.૧૨
બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જોયાં પછી કોંગ્રેસના નેતા તારિક અનવરે કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષે હવે અચૂક આત્મચિંતન કરવાની જરૂર છે. રાજદ જેવા મજબૂત પક્ષ સાથે સહયોગ કર્યો હોવા છતાં બિહારમાં કોંગ્રેસ ધાર્યાં પરિણામો મેળવી શકી નહીં. મહાગઠબંધન સત્તા મેળવી શક્યું નથી એનું કારણ કોંગ્રેસનો નબળો દેખાવ છે એમ તારિકે કહ્યું હતું. કોંગ્રેસનું જે રીતે ધોવાણ થયું છે એ જોતાં કોંગ્રેસે આત્મમંથન કરવું જોઇએ.આપણે સત્યનો સ્વીકાર કરવો જોઇએ કે કોંગ્રેસના નબળા દેખાવના કારણે બિહારમાં મહાગઠબંધન સરકાર રચી શકતું નથી. ભૂલ ક્યાં થઇ એ કોંગ્રેસે શોધી કાઢવું જોઇએ. તારિેકે એવો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો હતો કે બિહારમાં અસદુદ્દીન ઓવૈસીના પક્ષનું આગમન બિહાર માટે શુભ નથી. તેમણે કહ્યુ્‌ં કે ભાજપ ભલે જીતી ગયો હોય, બિહાર હારી ગયું હતું. આ વખતે બિહારને પરિવર્તનની તાતી જરૂર હતી. પરિવર્તન આવ્યું નહીં અને વાસ્તવમાં બિહારનો પરાજય થયો. પંદર વર્ષથી સાવ નક્કામી પુરવાર થયેલી નીતિશ કુમારની સરકારથી બિહાર છૂટકારો મેળવવા માગતું હતું. પરંતુ એ શક્ય ન બન્યું. જો કે તેમણે ઉમેર્યું હતું કે કશો વાંધો નહીં. બકરે કી મા કબ તક ખૈર મનાયેગી. ભાજપની મહેરબાનીથી ભલે નીતિશ કુમાર છેલ્લીવાર મુખ્ય પ્રધાન બની જતા.