આંદોલન કરી રહેલા કિસાનોને બળજબરીથી રાષ્ટ્રવિરોધી સાબિત કરવામાં મોદી સરકાર તલ્લીન, કિસાનોનું દર્દ તથા પીડા સમજવાને બદલે વડાપ્રધાન અને ભાજપ સરકાર અહંકારમાં રાચી રહી છે : કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં પ્રસ્તાવ પસાર

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
કોંગ્રેસ પાર્ટીમાં અધ્યક્ષ સહિત સંગઠનના અન્ય પદોની ચૂંટણી ૧૫થી ૩૦ મે વચ્ચે કરાવવામાં આવી શકે છે. સૂત્રોના હવાલાથી સમાચાર છે કે શુક્રવારે બોલાવવામાં આવેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં મે મહિનામાં સંગઠનની ચૂંટણી કરાવવા પર વિચાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મે મહિનામાં જ દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે અને માનવામાં આવી રહ્યુ છે કે આ ચૂંટણી ખતમ થયા બાદ કોંગ્રેસમાં સંગઠનાત્મક ચૂંટણી કરાવવામાં આવશે. આ સાથે જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ફેબ્રુઆરીમાં પાર્ટીની આંતરિક ચૂંટણી કરાવવા પર સંમતિ બની છે. કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠકમાં રિપબ્લિક ટીવીના સીઇઓ અર્નબ ગોસ્વામીની પુલવામા હુમલો, બાલાકોટ એરસ્ટ્રાઇક અને બાર્કના સીઇઓ સાથે ટીઆરપી મામલે થયેલી વોટ્‌સએપ ચેટ લીક મામલો જેપીસીને સોંપવાની માગ કરતો પ્રસ્તાવ પસાર કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-મે ૨૦૨૧માં તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, અસમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. સૂત્રો મુજબ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં બે સભ્યોએ આ પ્રસ્તાવ રાખ્યો કે ફેબ્રુઆરીમાં પાર્ટીની આંતરિક ચૂંટણી કરાવવી જોઈએ જેથી વિધાનસભા ચૂંટણી માટે એક ટીમ તૈયાર કરવામાં પૂરતો સમય મળી શકે. તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ અને અસમમાં કોંગ્રેસ સત્તાની બહાર છે. માત્ર પુડુચેરીમાં કોંગ્રેસની સરકાર છે. બેઠક દરમિયાન પાર્ટી પદાધિકારીઓએ કહ્યુ કે વિધાનસભા ચૂંટણી અને સંગઠનાત્મક ચૂંટણી વચ્ચે એક લાંબુ અંતર જરૂરી છે જેથી ચૂંટણી અભિયાનમાં કોઈ નુકસાન ન થાય. બેઠકમાં સોનિયા ગાંધીએ ખેડૂત આંદોલન અંગે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, મોદી સરકારે સંવેદનહીનતા અને અહંકારની તમામ સીમાઓ પાર કરી દીધી છે. આ કાયદાઓને સરકારે ઉતાવળમાં પાસ કરી દીધા. સંસદમાં કૃષિ કાયદાઓને યોગ્ય રીતે સમજવાનો મોકો આપવામાં ન આવ્યો અને હવે બેઠકોનો દેર ચાલી રહ્યો છે. પહેલાં જ કોંગ્રેસ આ ત્રણેય કાયદાઓને નકાર્યા હતા. સાથે જ સોનિયા ગાંધીએ કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા એક ગંભીર વિષય છે. પાછલા દિવસોમાં જે ગોપનીય માહિતી લીક થવાનો મામલો સામે આવ્યો હતો, તે ગંભીર મુદ્દો છે. જે અંગે સરકાર ચુપ છે. ઉપરાંત તેમણે વેક્સિનેશન અંગે કહ્યું કે, અમને આશા છે કે સંપૂર્ણ પ્રક્રિયા યોગ્ય રીતે પૂરી થશે. કોરોના મહામારી દરમિયાન સરકારની ખોટી નીતિઓએ ઘણું નુકસાન પહોંચાડ્યું છે.