(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧૨
અભિનયમાંથી રાજકારણમાં આવેલી ખુશબુ સુંદર સોમવારે કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે. દિલ્હીમાં તેમણે ભગવા પાર્ટીના સિનિયર નેતાઓની હાજરીમાં સભ્યપદ મેળવ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સી.ટી. રવિ, તમિલનાડુના ભાજપના અધ્યક્ષ એલ.મુરૂગન, ભાજપના પ્રવક્તા સંબિતપાત્રા અને રાજ્યસભા સભ્ય ઝફર ઈસ્લામની હાજરીમાં તેમણે ભાજપના મુખ્ય મથકે પાર્ટીનું સભ્યપદ મેળવ્યું હતું. આ દરમિયાન ભાજપના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તેમના આવવાથી પાર્ટીનું વિસ્તરણ થશે. આગામી વર્ષે અહીં રાજ્ય વિધાનસભા ચૂંટણી યોજાશે. પાત્રાએ ભાજપમાં તેમનું સ્વાગત કરતા કહ્યું કે, ખુશબુ સુંદરે ૨૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યું છે. દ્રમુકમાં મહત્ત્વની ભૂમિકા નિભાવ્યા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમની પ્રસિદ્ધિનો અંદાજ એના પરથી લગાવાઈ શકાય કે, રાજ્યમાં તેમના નામનું મંદિર છે. કોંગ્રેસે ખુશબુ પર વૈચારિક પ્રતિબદ્ધતાની કમીનો આરોપ લગાવીને કહ્યું કે, ખુશબુના પાર્ટી છોડવાથી તમિલનાડુની રાજનીતિ પર કોઈ અસર પડશે નહીં. તમિલનાડુમાં પાર્ટીના પ્રભારી દિનેશ ગુંડુ રાવે કહ્યું કે, એક અઠવાડિયા પહેલાં સુધી તેઓ ભાજપ અને વડાપ્રધાન મોદીની ટીકા કરતા રહ્યા હતા. જે ભાજપની તેઓ ટીકા કરતા હતા તેમાં પદ લાલચમાં સામેલ હોવું એ વાતને જોર આપે છે કે, ખુશબુની કોઈ વૈચારિક પ્રતિબદ્ધતા નથી. દુર્ભાગ્યપૂર્ણ પગલું ભર્યું છે. કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે તૈયારીઓ કરી રહી છે. ખુશબુના નિર્ણયથી તમિલનાડુની રાજનીતિ પર કોઈ અસર થશે નહીં. અભિનેત્રી હોવાને કારણે એક-બે દિવસ સમાચારોમાં રહેશે અને પછી મામલો શાંત થઈ જશે. તમિલનાડુમાં ભાજપ વિરોધી હવા છે તેથી તેમની કોઈ અસર થશે નહીં. ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં વર્ષો સુધી ભાજપ પોતાની છાપ પાડી શક્યો નથી અને પ્રાદેશિક પક્ષો દ્રમુક અને અન્નાદ્રમુક જ મુખ્ય પક્ષો છે.