(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૪
ગુજરાતમાં હાલ વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે મોબાઇલ ફોનમાં મુખ્યમંત્રીના અવાજમાં જે કોલરટ્યુન શરૂં કરવામાં આવી છે. તેને લઈ કોંગ્રેસના પ્રવક્તા નિશિત વ્યાસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ટેલિકોમ કંપની સામે પગલાં લેવાની માંગ કરી છે.
રાજ્ય ચૂંટણી પંચને કરેલી ફરિયાદમાં કોંગ્રેસના પ્રવક્તા નિશિત વ્યાસે જણાવ્યું છે કે, મોબાઈલ ફોનમાં મુખ્યમંત્રીના અવાજમાં જે કોલરટ્યુન શરૂં કરવામાં આવી છે. તેમાં કહેવાયું છે કે, “નવરાત્રિના તહેવારમાં સામાજિક અંતરનું પાલન કરવું, માસ્ક પહેરવું, હાથ સાફ કરવા, સાબુ અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, સાથે-સાથે અન્ય તહેવારોમાં સાવચેતીના પગલાં લેવા. રાજ્યમાં ૮ બેઠકો પર પેટાચૂંટણી જાહેરાત કરવામાં આવ્યા બાદ આ કોલરટ્યુન શરૂં થતાં આચારસંહિતાનો ખુલ્લો ભંગ છે.
નિશિત વ્યાસે ચૂંટણી પંચમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું છે અને ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા છે. હવે ચૂંટણીના આડે માત્ર થોડા દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી મોબાઈલ ફોનની કોલરટ્યુન દ્વારા પ્રચાર કરી રહ્યા છે અને આ ચૂંટણીની આચારસંહિતાનો ભંગ છે. જેથી ચૂંટણી પંચે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ટેલિકોમ કંપની સામે પગલાં લેવા જોઈએ. ચૂંટણી દરમિયાન કોલરટ્યુન કોની મંજૂરીથી વગાડવામાં આવે છે ? તે સવાલોની પણ ચૂંટણી પંચમાં રજૂઆત કોંગ્રેસે કરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આઠ બેઠકોની પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે અને ૩ નવેમ્બરના રોજ આઠ બેઠકો પર મતદાન યોજાશે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતપોતાના ઉમેદવારોને જીતાડવા માટે બનતા તમામ પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે હવે ચૂંટણીના માહોલ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવાજમાં લોકોના મોબાઈલમાં શરૂ થયેલી કોલરટ્યુન અંગે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.
Recent Comments