(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૩
બારડોલી બેઠક પર પ્રધાનમંત્રી મોદીની જાહેર સભા બાદ હવે કોંગ્રેસના રાહુલ ગાંધીની પણ જાહેર સભાનું આગામી તા.ર૦મીના રોજ આયોજન કરવામાં આવ્યું છે. બારડોલી બેઠક પર આ વખતે ચૂંટણીમાં ભારે રસાકરી રહેશે તેવું હાલમાં ચર્ચાઇ રહ્યું છે.લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે ગુજરાત આવનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધીના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. રાહુલ ગાંધી હવે ૧પ-૧૮-૨૦ એપ્રિલના ગુજરાતમાં સાત જાહેર સભા સંબોધશે. બીજી તરફ પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસને આગામી દિવસોમાં આખરી ઓપ આપવામાં આવશે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાહલ ગાંધી ૧પ એપ્રિલે અમરેલી, ભાવનગર, જુનાગઢમાં એમ એક જ દિવસમાં ત્રણ સભા સંબોધશે. અગાઉના કાર્યક્રમ અનુસાર રાહુલ ગાંધી ૧૯મી સભા સંબોધવાના હતા. પરંતુ હવે તેમાં ફેરફાર થયો છે અને ૧૯મીના સ્થાને ૧૮ એપ્રિલના રોજ સૌરાષ્ટ્રમાં જાહેર સભા સંબોધશે. જોકે, આ જાહેરસભા કેશોદ કે પોરબંદરમાંથી ક્યાં યોજવી તેના અંગે નિર્ણય લેવાયો નથી. આ પછી રાહુલ ગાંધી ર૦ એપ્રિલે બારડોલી- દાહોદ-પાટણમાં જાહેર સભા કરનાર હોવાનું જાણવા મળે છે.