(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રિયરંજન દાશમુનશીનું ૭૨ વર્ષની વયે નિધન થયું, તેઓ છેલ્લા નવ વર્ષથી કોમામાં હતા. પોતાની રાજકીય કારકીર્દીમાં મહત્વના હોદ્દાઓ સંભાળી ચૂકેલા દાશમુનશીનો જન્મ ૧૩ નવેમ્બર, ૧૯૪૫ ના રોજ થયો હતો. તેઓ પહેલી વાર સન ૧૯૭૧ માં દક્ષિણ કોલકત્તા બેઠક પરથી લોકસભા સાસંદ તરીકે ચૂંટાયા હતા. તેઓ વર્ષ ૧૯૮૮૮૫ માં રાજીવ ગાંધી સરકારમાં મંત્રી બન્યાં હતા. પ્રિયરંજન દાશમુનશીના પરિવારમાં તેમની પત્ની દિપા દાશમુનશી, પુત્ર પ્રિયદીપ દાશમુનશી છે. દીપા સાથે તેમના લગ્ન ૧૯૯૪ માં થયાં હતા. ૨૦૦૮ માં તેમને હાર્ટએટેકનો હુમલો આવ્યો હતો અને ત્યારથી તેઓ કોમામાં હતા કોઈને પણ ઓળખતા નહતા. અને બોલી પણ શકતા નહોતા. તેઓ દિલ્હીના એઈમ્સમાં સારવાર હેઠળ હતા જ્યાંથી તેમને એપોલો હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ઓપોલો હોસ્પિટલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તેઓ છેલ્લા એક મહિનાથી ગંભીર રીતે બીમાર હતા અને આજે બપોરે ૧૨.૧૦ વાગ્યે ગુજરી ગયાં. નિધન સમયે તેમની પત્ની દિપા અને પુત્ર તેમની સાથે હતા. કોંગ્રેસ પાર્ટીએ ેતમના સત્તાવાર ટ્‌વીટર હેન્ડલ પરથી દાસમુનશીના નિધન પર ઘેરો શોકની લાગણી વ્યક્ત કરી. કોંગ્રેસે કહ્યું કે અમારા દિગ્ગજ નેતાના નિધન પર ઘેરા શોક વ્યક્ત કરીએ છીએ. તેમના અવસાનથી કોંગ્રેસને ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ પડી છે. તેમને ખાસ કરીને ઈન્ડીયન ફૂટબોલમાં તેમના યોગદાન બદલ યાદ રાખવામાં આવશે. તેઓ છેલ્લી વાર પશ્ચિમ બંગાળની રાયગંજ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતા અને જીત્યાં હતા. પોતાના શોક સંદેશામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દાશમુનશીને કર્મઠ રાજકીય કાર્યકર અને પશ્ચિમ બંગાળના મોટા ગજાના નેતા ગણાવ્યાં. તેમણે કહ્યું કે દાશમુનસીએ ઈમાનદારી પૂર્વક પાર્ટી અને સરકારની સેવા કરી હતી. જમીની સ્તરે તેમના વ્યાપક કામને આવતી પેઢીઓ યાદ રાખશે. વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ , કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત બીજા નેતાઓએ દાશમુનશીના અવસાન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી.