(સંવાદદાતા દ્વારા) હિંમતનગર, તા.૧૯
સાબરકાંઠા જિલ્લામાં ખૂબ જ વિવાદાસ્પદ બનેલી હિંમતનગર તાલુકા પંચાયતની આયોજનની બેઠક બુધવારે તાલુકા પંચાયતમાં મળી હતી. જેમાં હિંમતનગરના ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાની હાજરીમાં આયોજનની બેઠકને કોરમ તરીકે જાહેર કરીને અંદાજે રૂા.૧.પ૦ કરોડના કામોને બહાલી આપીને બેઠક પૂર્ણ જાહેર કરાઈ હતી, તો બીજી તરફ જિલ્લા અને તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્યો તથા મહિલા સદસ્યોના પતિદેવોએ હાજર રહીને તાલુકા વિકાસ અધિકારીની કચેરીના દરવાજે ધરણા કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બીજી તરફ ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી તથા ભાજપના જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા મહેન્દ્રસિંહ રહેવર, ગણપતભાઈ પટેલ અને તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલની હાજરીમાં તાલુકા આયોજન સમિતિની બેઠકની કામગીરી શરૂ થઈ હતી. જેમાં નિયમ મુજબ ૬ સભ્યો હાજર રહેતા હિંમતનગર તાલુકાના વિકાસકામો માટે અંદાજે રૂા.૧.ર૦ કરોડ તથા ખાસ અંગભૂત યોજના અંતર્ગત રૂા.૩૦ લાખના મળી કુલ રૂા.૧.પ૦ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી, તો બીજી તરફ કોંગ્રેસના અગ્રણી હરીશભાઈ પ્રજાપતિ, જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય કંચનબા સોલંકીના પતિ રણજીતસિંહ સોલંકી સહિત અન્ય સભ્યોએ આયોજન સમિતિની બેઠકમાં અધ્યક્ષસ્થાને બેઠેલા તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ વિરૂદ્ધ આક્ષેપ કરીને જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ તેમની વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત અંગે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ હોવાથી તેઓ આયોજન સમિતિની બેઠકમાં ભાગ લઈ શકે નહીં તેવો આક્ષેપ કરીને કોંગ્રેસના જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીની કચેરીના દરવાજા બહાર બેસીને વિરોધ કરી ધરણા કર્યા હતા. તાલુકા આયોજન સમિતિની બેઠકમાં સત્તાધારી પક્ષ ભાજપે પોતાની મનમાની ચલાવીને એક તરફી નિર્ણયો કરી અંદાજે રૂા.૧.પ૦ કરોડના વિકાસકામોને બહાલી આપી છે. બેઠકમાં કોંગ્રેસના સદસ્યો હાજર ન હોવા છતાં જે કામગીરી કરાઈ છે તેમાં લોકશાહીનો કોઈ અર્થ રહેતો નથી. જેથી ભાજપે લોકશાહીનું ખૂન કર્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસના અગ્રણી હરેશ પ્રજાપતિએ કર્યો હતો.
કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
તાલુકા પંચાયતની આયોજન સમિતિની બેઠકમાં ભાજપે એકતરફી નિર્ણયો લઈને પોતાની મનમાની ચલાવી કોંગ્રેસને ગણકાર્યો ન હોવાથી તેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આયોજન સમિતિમાં ૧૧ સભ્યો હોવા છતાં સાત સભ્યોને વિશ્વાસમાં લીધા નથી તથા અવિશ્વાસની દરખાસ્ત તાલુકા પંચાયતના પ્રમુખ સામે રજૂ કરાઈ હોવાથી તેઓ બેઠકમાં અધ્યક્ષ તરીકે રહી શકે તેમ ન હોવા છતાં હાજર રહ્યા હતા, જે દુઃખદ છે એમ કોંગ્રેસે કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું.