ગોધરા, તા.૧
આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પક્ષનું સંગઠન વધુ મજબૂત અને સક્રિય કરવા તદ્‌ઉપરાંત પંચમહાલ લોકસભા ઉમેદવારોની સંભવિત યાદી તૈયાર કરવા પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પક્ષની મીટિંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટીના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી વિશ્વરંજન મોહન્તિ તથા પંચમહાલ લોકસભાના નિરીક્ષક એ.આઈ.સી.સી. મંત્રી અને માજી સાંસદ ડો.પ્રભાબેન તાવિઆડ ઉપસ્થિત રહ્યા હતા. ગોધરા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ મીટિંગમાં તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, વિધાનસભા ચૂંટણી લડેલા ઉમેદવારો, સેલ-સંગઠન આગેવાનો જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, નગરપાલિકા કોંગ્રેસ પક્ષના સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. એ.આઈ.સી.સીના મંત્રી અને ગુજરાત પ્રભારી વિશ્વરંજન મોહન્તિએ ઉદ્‌બોધનમાં જણાવેલ કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈ કોંગ્રેસ સંગઠન વધુ સક્રિય અને મજબૂત કરવા શહેર-તાલુકા-જિલ્લા સંગઠનમાં વધુ યુવાનો, બહેનોને પ્રતિનિધિત્વ આપવામાં આવશે. પંચમહાલ કોંગ્રેસના પ્રમુખ અજીતસિંહ ભાટીએ જણાવેલ કે પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા જનમિત્રનું કામ ખૂબ જ સારું થયું છે, આવનાર સમયમાં આવા જનમિત્રોનું તાલુકા મથકોએ સંમેલન યોજી કોંગ્રેસ ગ્રામ્ય કક્ષા સુધી પહોંચી પ્રજાની મુશ્કેલી-સમસ્યા નિવારવા નિષ્ઠાથી કામ કરશે. એ.આઈ.સી.સી.ના મંત્રી ડો.પ્રભાબેન તાવિઆડે દૃઢતાથી સામનો કરવા આહ્‌વાન કર્યું હતું. જિલ્લા કોંગ્રેસની મીટિંગમાં લોકસભા ઉમેદવાર અંગે પણ ચર્ચા વિચારણા થઈ હતી. જેમાં લઘુમતી આગેવાન રફીકભાઈ તિજોરીવાલા, જિ.કો. પ્રમુખ અજીતસિંહ ભાટી, માજી એમ.એલ.એ રાજેન્દ્ર પરમાર, તખ્તસિંહ સોલંકી, ઈકબાલ પોચા, પર્વતસિંહ ચૌહાણ સહિતનાએ પક્ષ ટિકિટ આપે તો ચૂંટણી લડવા તૈયાર બતાવી હતી.