વડોદરા, તા.૧પ
૧૪૭ શિનોર કરજણ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે જે માટે કોંગ્રેસમાંથી સંભવિત ઉમેદવારો પૈકી એક માત્ર મુસ્લિમ ઉમેદવાર હાજી હુસેનભાઈ શેખ (શિનોરવાલા)નું નામ જોરશોરથી થઈ ચર્ચાઈ રહ્યું છે. જિલ્લાના શિનોર-કરજણ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપી દેતાં પેટાચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. કરજણ શિનોર મતવિસ્તારની પેટાચૂંટણી ઓગસ્ટ અંતમાં કે સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં યોજાશે તે અંગે અજમંજસ ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવવા ૯ નામો ચર્ચાઈ રહ્યા છે જેમાંથી એક માત્ર મુસ્લિમ ઉમેદવાર અને મતવિસ્તારના જૂના કાર્યકર હાજી હુસેનમિયાં શેખ (શિનોરવાલા)નું નામ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે. ૪૦ વર્ષથી લોકો વચ્ચે રહી શિનોર કરજણ મતવિસ્તારમાં કામગીરી કરતા હાજી હુસેનભાઈને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવે તેવી માગણી ઊઠવા પામી છે. કોંગ્રેસ વતી નિરીક્ષકોમાં સિદ્ધાર્થ પટેલ, નારણ રાઠવા રાજ્યસભા સદસ્ય, આણંદ જિલ્લા પંચાયત વડા નટવરસિંહ મહીડા, ભરૂચનજ યુનુસ પટેલ, સાગર બ્રહ્મભટ્ટ, મુબારક પટેલ, ભૂપેન્દ્ર પટેલને પણ કાર્યકરો દ્વારા પાયાના કાર્યકર એવા હાજી હુસેનમિયાં શેખ (શિનોરવાલા)ને ટિકિટ આપવા રજૂઆત કરી હતી. હાજી હુસેનમિયાં શિનોર ગામના સરપંચ, તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા, યુવા કોંગ્રેસના તાલુકા પંચાયતના વડા, સરપંચ સંગઠનના વડા, જિલ્લા ડેલિગેટ પૂર્વ સિટિઝન બેંકના વડા, ઓનસ્ટ બેંક હેડ ફાર્મર કમિટી સમિતિના સભ્ય, માર્કેટ કમિટીના સભ્ય તરીકે પણ પોતાની સેવા બજાવી ચૂક્યા છે.