જો કે અનુભવી આગેવાનોના મતે હાલ નેતૃત્વ પરિવર્તનની શક્યતા ઓછી

(સંવાદદાતા દ્વારા)  અમદાવાદ,તા.૧૭
ગુજરાતની વિધાનસભાની પેટાચૂંટણીમાં કારમા પરાજયને પગલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તથા વિરોધ પક્ષના નેતાએ રાજીનામા આપ્યા બાદ આ અંગે હાલમાં પાર્ટીએ કોઈ નિર્ણય લીધો નથી. જોકે એ પહેલા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા બદલવા માટે ઉત્સુક આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ૧૯મીએ ગુજરાત આવે ત્યારે તેમને પુનઃ રજૂઆત કરવા કમર કસી રહ્યા છે.
રાજીવ સાતવે પેટાચૂંટણીમાં પાર્ટીના પરાજય બાદ કોંગ્રેસના કાર્યકરોના મંતવ્યો લીધા હતા. પાર્ટીના કાર્યકરોથી લઈને જિલ્લા પ્રભારી સુધીના આગેવાનોએ સાતવ સમક્ષ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી પહેલા નેતૃત્વમાં ધરખમ ફેરફાર કરવાની સખત જરૂર છે એવી લાગણી વ્યક્ત કરી હતી. પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડ આ અંગે વહેલી તકે નિર્ણય લેવાના મૂડમાં ન હોવાનું જણાઈ રહ્યું છે
જો કે બીજી તરફ કોંગ્રેસના કેટલાક નારાજ આગેવાનો જણાવી રહ્યા છે કે રાજ્યના પ્રભારી રાજીવ સાતવના પ્રભારી તરીકેના સમય દરમિયાન જ કોંગ્રેસના ૨૦થી વધુ ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોને સાચવવામાં આગેવાનો સાવ નિષ્ફળ રહ્યા હતા. હવે જયારે અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામાં ધર્યાં છે ત્યારે આગામી દિવસોમાં રાજીવ સાતવ પણ ગુજરાત કોંગ્રેસના પ્રભારીપદેથી રાજીનામું ધરી દે એવી શક્યતા જોવાઇ રહી છે.
રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થતાં નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ-પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામાં ધરી દીધાં હતાં. જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ પણ પ્રભારીપદ છોડી શકે તેવી ચર્ચા વહેતી થઈ છે. આ સંજોગોમાં દિલ્હી હાઇ કમાન્ડ શું નિર્ણય લે છે તે અંગે આગેવાનો અને કાર્યકરોની મીટ મંડાઇ છે, પરંતુ અનુભવી આગેવાનોના જણાવ્યા મુજબ હાલ ગુજરાત કોંગ્રેસની નેતાગીરી બદલવાનો નિર્ણય વહેલો ગણાશે. કારણ કે અહમદ પટેલના અવસાન બાદ ગુજરાતની નેતાગીરી અંગે કોણ અને કઈ રીતે નિર્ણય લેશે તે અગત્યનું છે. કારણકે રાષ્ટ્રીય અધ્યક્ષનનો મુદ્દો પણ હાલ લટકતો છે ત્યારે ગુજરાતનો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તેવી શક્યતા ઓછી છે.