સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં ગુરૂવારે મળેલી વર્ચ્યુઅલ બેઠકમાં યુવા અને વરિષ્ઠ નેતાઓ
વચ્ચે તિરાડ જોવા મળી, રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવાની માગણી ઊઠી

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીની આગેવાનીમાં પાર્ટીના સાંસદોની ગુરૂવારે બેઠક બોલાવાઇ હતી. આ બેઠકમાં યુવા નેતાઓ તરફથી અનેક તર્ક-વિતર્ક અને ટીકાઓ કરવામાં આવી હતી. યુવા નેતાઓએ લોકપ્રિયતામાં થયેલા ઘટાડા માટે પાર્ટીની છેલ્લી સરકારને દોષિત ગણાવી હતી. મનમોહન સિંહની સરકારમાં રહેલા આ પૂર્વ કેન્દ્રીય મંત્રીઓની ઓળખ રાહુલ ગાંધી ટીમના મહત્વના સભ્યો તરીકે કરાઇ છે. બેઠકમાં તેમને બેધડક વિચારોથી ફરીવાર કોંગ્રેસની અંદરની તિરાડો જોવા મળી છે. કોંગ્રેસ પાર્ટીએ ૨૦૧૪માં ભાજપની સામે સત્તા ગુમાવી હતી. બાદમાં ૨૦૧૯માં પણ સામાન્ય ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પાર્ટીના યુવા નેતાઓએ કથિત રીતે કહ્યું કે, જે લોકો પાછલી યુપીએ સરકારનો ભાગ હતા તેઓએ કોંગ્રેસની ઝડપથી થઇ રહેલી પડતી માટે જવાબદારી લેવી જોઇએ. આમાંથી કેટલાકે કોંગ્રેસ અધ્યક્ષના રૂપમાં રાહુલ ગાંધીને ફરીથી પરત બોલાવવાની માગ કરી હતી અને કહ્યું હતું કે પાર્ટી પ્રમુખ પદ પર કોઇ અન્ય ઉમેદવારની સહમતી ન હતી. સૂત્રો અનુસાર બે વખત વડાપ્રધાન પદે રહેલા મનમોહનસિંહ આ દરમિયાન મૌન રહ્યા અને એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો. વડાપ્રધાન તરીકે મનમોહનસિંહનો બીજો કાર્યકાળ ભ્રષ્ટાચાર અને નીતિગત જડતાના આરોપો વચ્ચે સમાપ્ત થયો હતો. પાછલા વર્ષે પાર્ટીની લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસનું ટોચનું પદ છોડ્યું હતું અને તેમની માતા સોનિયા ગાંધીએ વચગાળાના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી હતી. તેમણે નવા અધ્યક્ષની નિયુક્તિ સુધી પદ ગ્રહણ કર્યું હતું પરંતુ એક વર્ષ બાદ પણ આ સ્થિતિમાં કોઇ પરિવર્તન આવ્યું નથી. કથિત રીતે આ ખેંચતાણની શરૂઆત કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ રાજ્યસભા સભ્યોએ કરી હતી અને આર્થિક મંદી, કોરોના વાયરસ પર નિયંત્રણના ઉપાયો તથા ચીન સાથે વિવાદ જેવા મુદ્દાઓ પર નરેન્દ્ર મોદીની સરકારને ઘેરવામાં પાર્ટીની નિષ્ફળતા પર નિરાશા વ્યક્ત કરી હતી. વરિષ્ઠ નેતાઓએ પીએમ મોદીના સમર્થન અને જનાધારને લઇ કોંગ્રેસના આકલનને ઘણું નબળું અને અવ્યવસ્થિત ગણાવ્યું હતું. તેમણે આત્મઅવલોકન અને વિચાર વિમર્શની પ્રક્રિયા પર ભાર મુક્યો હતો. ૪૫ વર્ષના રાજીવ સાતવે કથિત રીતે કહ્યું કે, કોંગ્રેસની ૨૦૧૪ની હાર બાદ સંપૂર્ણ આત્મનિરિક્ષણની જરૂર છે. સૂત્રો અનુસાર પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે કહ્યું કે, આપણે પૂર્ણ આત્મનિરિક્ષણ કરવાની જરૂર છે. હા… ભાજપ સરકારે ખરાબ પ્રદર્શન કર્યું છે અને તેના પર પ્રહાર કરવાની જરૂર છે પરંતુ આપણે પોતાને જોવું પડશે કે કેવું પ્રદર્શન કર્યું છે. પાર્ટીની અંદર આ અંગે કોઇ ચર્ચા નથી થઇ પરંતુ આપણે નેતૃત્વ કેમ નિષ્ફળ રહ્યું તેની વધુ ચર્ચા કરવી પડશે. પાર્ટીના વરિષ્ઠ સભ્યોએ ચર્ચા અને વિચાર વિમર્શની ખોટ અંગે સવાલ ઉઠાવ્યા હતા. રાજીવ સાતવે કથિત ટિપ્પણી કરી હતી કે, આ વરિષ્ઠ અને યુવા નેતાઓ વચ્ચે લડાઇ જેવી બાબત નથી. આપણે એ વાતની ચર્ચા કરવી જોઇએ કે કોંગ્રેસે યુપીએના શાસનમાં કેવું પ્રદર્શન કર્યું. મંત્રીઓ આખરે પાર્ટીના કાર્યકરોને કેમ ના મળ્યા અને વાસ્તવિકતાથી અજાણ કેમ રહ્યા. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પાર્ટી કેમ નિષ્ફળ રહી. સાતવે પાર્ટીના કેટલાક યુવા નેતાઓ પાર્ટીથી અંતર જાળવી રહ્યા છે તેવા સમયે રાજીવ સાતવે રાહુલ ગાંધીને ફરી અધ્યક્ષ બનાવવાની માગ કરી હતી.