(એજન્સી) તા.૧૭
કોંગ્રેસના પૂર્વ પ્રવકતા સંજય ઝાએ દાવો કર્યો છે કે લગભગ ૧૦૦ કોંગ્રેસી નેતા પાર્ટીની આંતરિક સ્થિતિથી નાખુશ છે અને તેમણે આ અંગે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને એક પત્ર પણ લખ્યો છે. કોંગ્રેસમાંથી સસ્પેન્ડ સંજય ઝાએ સોમવારે એક ટવીટ કરી આવો દાવો કર્યો છે. તેમણે ટવીટમાં જણાવ્યું કે અંદાજ છે કે સાંસદો સહિત લગભગ ૧૦૦ કોંગ્રેસી નેતા પાર્ટીની આંતરિક સ્થિતિથી નાખુશ છે. આ અંગે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને એક પત્ર પણ લખ્યો છે તેમાં રાજનૈતિક નેતૃત્વમાં પરિવર્તન અને સીડબ્લયુસીમાં પારદર્શી ચૂંટણીની માગ કરવામાં આવી છે. પાર્ટી વિરોધી ગતિવિધિઓ અને અનુશાસનહિનતાના આરોપમાં સસ્પેન્ડ ચાલી રહેલા સંજય ઝા પૂર્વમાં કોંગ્રેસ પર નિશાન સાધતા રહે છે. હાલના દિવસોમાં તેમણે જણાવ્યું હતું કે જો કોંગ્રેસે પોતાના માર્ગ ના બદલ્યો તો પાર્ટી નષ્ટ થઈ જશે. એક લેખમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં વિપરીત વિચારો માટે અસહિષ્ણુતા છે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ ભાજપ પર તો ગેરકાયદેસર લોકતંત્રનાનું લાંછન લગાવે છે પરંતુ પોતે પોતાની અંદર રાજાશાહી સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. આ દરમ્યાન તેમણે કોંગ્રેસના પતનના પાંચ કારણ પણ બતાવ્યા. તેમણે જણાવ્યું કે કોંગ્રેસની મત ટકાવારી પરંપરાગત રીતે ૪પ ટકા રહી છે અને વર્ષ ૧૯૮૪માં ઈન્દિરા ગાંધીની હત્યા પછી પાર્ટીને સૌથી વધુ ૪૮.૧ ટકા વોટ મળ્યા. ત્યાર બાદ સતત પાર્ટીના વોટ શેર પડતા રહ્યા જે ૧૯૯૮માં રપ.૮, ર૦૦૯માં ર૮.પ અને ર૦૧૪મા ૧૯.પર ટકા રહ્યા. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ દેશમાં મોટા રાજયોમાંથી લગભગ ગાયબ થઈ ચુકી છે. તેમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, બિહાર, ગુજરાત, ઓડિસા જેવા રાજય સામેલ છે. આ રાજયોમાં લાંબા સમયથી કોંગ્રેસ સરકાર નથી બની આટલા વર્ષમાં કોંગ્રેસ પોતાના મતદારોની સંખ્યામાં પણ વધારો કરી શકી નથી. પાર્ટીને યુવા વોટર્સ નથી મળી રહ્યા. તેમણે પાર્ટીના નેતૃત્વ પર પણ પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું કે પાછલા ર૦ વર્ષમાં કોંગ્રેસે માત્ર બે અધ્યક્ષ આપ્યા ૧૯૯૭ પછી કોંગ્રેસ વર્કિંગ કમિટીની ચૂંટણી જ થઈ નથી. ર૦૧૯ પછીથી પાર્ટીના કાયમી અધ્યક્ષ પણ નથી.