(એજન્સી) નવી દિલ્હી, તા.ર
કોંગ્રેસે પીએનબી અને ત્યારબાદ સામે આવેલા એક પછી એક છેતરપિંડીના કેસોને લઈને કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. કોંગ્રેસ નેતા રણદિપસિંહ સુરજેવાલા અને શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ યોજીને કહ્યું છે કે, આ સરકારનું નવું સૂત્ર, ‘ખાઈશ, ખાવા દઈશ, પેક કરાવીને લઈ જવા દઈશ’ થઈ ગયું છે. સુરજેવાલાએ કહ્યું કે, ગત ૧ર દિવસમાં ૩૧,૦૦૦ કરોડ રૂપિયાના ગોટાળા બેન્કોમાંથી સામે આવ્યા છે. આ સરકાર લૂંટારાઓને બચાવો, લૂંટારાઓને ભગાડોમાં વ્યસ્ત છે.
આ બધું જ મોદી સરકારની નજર સમક્ષ મેહુલ, મહેતા અને નીરવ મોદીએ કર્યું છે. સુરજેવાલાએ કહ્યું કે, ગુજરાતના પાલનપુરના જતિન મહેતાએ બેન્કમાં છેતરપિંડી કરી છે, આમાં પંજાબ નેશનલ બેન્કમાંથી ૬,૭૧ર કરોડનું કૌભાંડ સામેલ છે. તેમણે કહ્યું કે, સરકાર આખરે શું કરી રહી છે. સુરજેવાલાએ કહ્યું કે, બેન્કમાંથી લોન લઈને જતિન મહેતા અને તેની પત્ની ખૂબ જ સરળતાથી ભાગી ગયા. તેમણે ર જૂન ર૦૧૬ના રોજ ભારતીય નાગરિકતા છોડી દીધી. લગભગ એક વર્ષ બાદ દેશની તપાસ એજન્સીઓની નજર જતિન મહેતા પર ગઈ. સુરજેવાલાએ ઘણા દસ્તાવેજ રજૂ કરતં દાવો કર્યો કે આવી છેતરપિંડી ઘણા સમયથી ચાલી રહી હતી અને સરકારે આ અંગે કોઈ પગલાં લીધા નહીં. આ દરમિયાન તેમણે ઘણી કંપનીઓની બેલેન્સશીટ અને બીજા આંકડાઓ પણ દર્શાવ્યા.