(એજન્સી) તા.ર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચીનનો મુદ્દો ઉઠાવતા પક્ષે આ મુદ્દે તમામ રાજકીય પક્ષોને વિશ્વાસમાં લેવા સરકારને અનુરોધ કર્યો હતો અને લદાખમાં પ્રવર્તી રહેલી હાલની ભારે તંગદીલીભરી પરિસ્થિતિ વિશે કેટલાંક વેધક પ્રશ્નો કર્યા હતા. તે સાથે કોંગ્રેસે એવો પણ અણિયારો પ્રશ્ન કર્યો હતો કે રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતીના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હવે કેમ ચૂપ થઇ ગયા છે ?
લદાખમાં ચીન સાથેની સરહદે જૈસે થેની સ્થિતિ પુનઃ લાદવા કોંગ્રેસે તમામ રાજકીય પક્ષો અને સમગ્ર દેશને વિશ્વાસમાં લેવા સરકારને તાકીદ કરી હતી. તે સાથે પક્ષે આ મુદ્દે સરકારને ખુલ્લુ મન રાખીને વર્તન કરવાનો અનુરોધ કર્યો હતો. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદિપ સુરજેવાલે કહ્યું હતું કે રાષ્ટ્રની સુરક્ષા અને સલામતી સાથે કોઇ સમાધાન કરી શકાય નહીં. દેશની સુરક્ષા અને પ્રાદેશિક સાર્વભૌમત્વ બાબતે કોઇ બાંધછોડ કરી શકાય નહીં એમ તેમણે ઉમેર્યું હતું.
લદાખમાં ચીન સાથેની સરહદે હાલ પ્રવર્તી રહેલી તંગદીલીભરી પરિસ્થિતિ વિશએ કોંગ્રેસે શ્રેણીબધ્ધ પ્રશ્નો પૂછ્યા હતા. ચીનના સૈનિકોની ભારતમાં થયેલી ઘૂસણખોરી અંગે સરકારના મૌન પ્રત્યે પક્ષે આશંકા વ્યક્ત કરી હતી અને પૂછ્યું હતું કે, સરકારે શા માટે આ મુદ્દે મૌન ધારણ કરી લીધું છે ? નેપાળે ઉઠાવેલા પ્રશ્ન અંગે પણ પક્ષે ઘેરી ચિંતા વ્યક્ત કરતાં સરકાર આ દિશામાં કોઇ કાયમી ઉકેલ શોધી નાંખશે એવી આશા વ્યક્ત કરી હતી. સરહદે પ્રવર્તી રહેલી સ્થિતિનો સરકારે અવશ્ય કોઇ નિવેડો લાવવો જોઇએ એમ પક્ષે પોતાનો મત રજૂ કરતાં કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, લદાખની પૂર્વે આવેલા પેંગગોંગ સો, ગલવાનખીણ પ્રદેશ, ડેમચોક અને દૌલત બેગ ઓલ્ડી જેવા સરહદી વિસ્તારોમાં ભારત અને ચીનનું સૈન્ય છેલ્લા ત્રણ સપ્તાહથી આમને-સામને આવી ગયું છે અને એકબીજાની સામે ઘૂરકીયા કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૭ની સાલમાં ડોકલામ નજીક બંને દેશોના સૈનિકો આમને-સામને આવી ગયા હતા ત્યારબાદ બંને દેશો વચ્ચેનું આ સૌથી મોટુ શક્તિ પ્રદશ૪ન હોવાનું મનાય છે, અને દિવસે ને દિવસે તંગદીલી વધતી જાય છે. ગત મે મહિનાથી આ તંગદીલી સર્જાઇ છે ત્યારથી કોંગ્રેસ આ મુદ્દે ઘેરી ચિંતા વ્યક્ત કરી રહી છે. પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ અગાઉ સરકારને કહ્યું હતું કે તેણએ સરહદે બની રહેલી ઘટનાઓ વિશે દેશની પ્રજાને તમામ વિગતો જણાવવી જોઇએ.