ગઢડામાં કોંગીના આયાતી ઉમેદવારને બદલે પૂર્વ મંત્રી મેદાનમાં ઉતારાયા

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૧
ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો માટે તા.૩જી નવેમ્બરે પેટાચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને લઈ છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી અટકળો બાદ આજે ભાજપે તેના સાત ઉમેદવારો જાહેર કરી દીધા છે. એકમાત્ર લીંબડી બેઠક સિવાયના જાહેર કરેલ સાત ઉમેદવારોમાં ભાજપે બે બેઠક સિવાય અન્ય પાંચ બેઠકો પર કોંગ્રેસના આયાતી ઉમેદવારોને ટિકિટ ફાળવી છે.
ભારતીય જનતા પાર્ટીએ આગામી વિધાનસભાની પેટા ચૂંટણી માટે ૮માંથી ૭ બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપે મોરબી, ધારી, અબડાસા, ડાંગ, કરજણ, ગઢડા, કપરાડા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. આ ચૂંટણીમાં ભાજપે લિંબડી સિવાયની તમામ બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે. આ બેઠકોમાં ગઢડા અને ડાંગ બેઠક પર પૂર્વ મંત્રી અને ભાજપના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અન્ય બેઠકો પર કોંગ્રેસમાંથી આવેલા ઉમેદાવારોને ટિકિટ આપી છે.
ભાજપે આ બેઠકોમાં મોરબીથી બ્રિજેશ મેરજા, અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા, કપરાડામાં જીતુ ચૌધરી, કરજણમાં અક્ષય પટેલ, ધારીમાં જે.વી. કાકડિયા, ગઢડાથી આત્મારામ પરમારને ટિકિટ આપી છે. જ્યારે ડાંગમાં વિજય પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસમાં મોટાપાયે તોડફોડ થતાં માર્ચમાં ૫ અને તે પછી ત્રણ ધારાસભ્યો મળીને કોંગ્રેસના કુલ ૮ ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપ્યા હતા જેના પગલે આ બેઠકો ખાલી પડી છે. કપરાડામાંથી જીતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવિણ મારૂ, ધારીમાંથી જે.વી.કાકડીયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતા. દરમ્યાન ભાજપે ડાંગ અને ગઢડામાં કોંગી સભ્યોને પડતા મૂકી અન્યને ટિકિટ ફાળવી છે.
લીંબડી બેઠક પર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય કિરિટસિંહ રાણા ઉમેદવાર માનવામાં આવતા હતા. જો કે, કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર સોમા પટેલે ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરતા ભાજપ ગૂંચવાયું હોય તેવું જણાઈ રહ્યું છે. સોમાભાઈ પટેલે ભાજપમાં જોડાયા ન હોવાથી પક્ષે તેમને ટિકિટ નથી આપી પરંતુ કોંગ્રેસે તેમને ટિકિટ ન આપવાની સ્પષ્ટ ના કહી દીધી હોવાનું જાણવા મળેલ છે. આ પરિસ્થિતિને લઈ ભાજપ તરફથી લીંબડી બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરાઈ નથી. સોમા પટેલ બંને પક્ષોની ટિકિટ નહીં મળે તો અપક્ષમાંથી ચૂંટણી લડે તેવી વિગતો પણ સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે. ગઢડા બેઠક પરથી ટિકિટ મેળવનાર આત્મારામ પરમારને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની નજીક માનવામાં આવે છે. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જ્યારે પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે હતા ત્યારે તેમણે કાર્યકર્તાઓને સંબોધતી વખતે એક કિસ્સો કહ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, મે અને આત્મારામભાઈ પરમાર બન્નેએ પોલિટિકલ કેરિયર ડિસેમ્બર ૧૯૮૯માં સાથે શરૂ કર્યું હતું.