અમદાવાદ,તા.૧૮
સાબરકાંઠાના હિંમતનગર અને અરવલ્લીના મોડાસા ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીના માધ્યમથી જિલ્લાઓમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો આગેવાનો સાથે યોજાયેલી સંવાદયાત્રામાં સંબોધન કરતા કોંગ્રેસ પક્ષના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષમાં કામ કરનાર કાર્યકરોને મહત્વ મળશે અને કામ ન કરનારને હોદ્દા પરથી દૂર કરવામાં આવશે ઉપરાંત પક્ષમાં શિસ્ત અને સંયમ સાથે પક્ષની વિચારધારા માટે કામ કરનારને પક્ષમાં અગત્યની જવાબદારી સોંપાશે. આ અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે પ્રદેશ કક્ષાએથી તાલુકા કક્ષાએ સંગઠનની રચના થતી હતી. આપણે તાલુકા એટલે કે બૂથ મેનેજમેન્ટથી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ પછી પ્રદેશ કક્ષાના સંગઠનની રચના કરીશું. વડીલોનું માન સન્માન જાળવીશું. આપણે જૂથવાદ નહીં પણ બુથવાદની લડાઈ લડીશું. મતદારને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવાની ટીમ બનાવીશું. ચૂંટાયેલી પાંખ અને સંગઠનની વચ્ચે સંકલન કરીશું. અને કોંગ્રેસમાં સંગઠનનું જ મહત્વ રહેશે. એવી પધ્ધતિનો અમલ કરવા જઈ રહ્યા છીએ બુથના જનમિત્રનો ટિકિટ માટે ભલામણ ધ્યાનમાં લઈશું. શિસ્તનું પાલન કરવામાં આવશે. પક્ષ વિરોધીઓને ઘરનો રસ્તો બતાવી દઈશું. સૌ સાથે મળીને લોકસભા ર૦૧૮મા કામગીરી કરવાની છે. અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના વિચારોને લોકો સુધી પહોંચાડવાના છે. ભાજપની નાકારાત્મક સામે કોંગ્રેસ પક્ષ હકારાત્મક કામગીરી કરશે. ગ્રામ્ય તાલુકા અને જિલ્લા કક્ષાએ બુથ મેનેજમેન્ટ પર સંપૂર્ણ ધ્યાન આપવાનું છે. બુથદીઠ બે જનમિત્રને પસંદ કરીને આગામી દિવસોમાં તેઓને ચૂંટણીલક્ષી તાલીમ અપાશે. આગામી ૪પ દિવસમાં તાલુકા અને જિલ્લાના કોંગ્રેસ પક્ષના સંગઠનમાં આમુલ પરિવર્તન કરાશે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે હું રાહુલ ગાંધીનો સદેશો લઈ આવ્યો છું. દુધમાં લીંબુ નાખનારા સમજી લેજો અમને વલોવી છાશ બનાવતા અને છાશમાંથી માખણ અને માખણમાંથી ઘી બનાવતા આવડે છે કાર્ડ છપાવીને ફરતા નેતાઓને હાંકી કાઢવા છે. કામ કરતા કાર્યકરોને જ આગળ લાવવા છે. ચૂંટાયેલી પાંખ અને સંગઠન વચ્ચે સંકલન નથી માટે ચૂંટાયેલી પાંખે સંગઠનમાં સંકલન કરવું પડશે. સંગઠનનું સશકિતકરણ કરવું પડશે. નવા યુવાનો જોડવા પડશે હોશ અને જોશથી સંગઠનનું સમન્વય કરીશું. આંદોલનમાંથી કોંગ્રેસનો જન્મ થયો છે માટે આંદોલનો કરવા તૈયાર રહેવું પડશે.