(એજન્સી) તા.૯
થોડા મહિના પૂર્વે પોતાના જ ડેપ્યુટી દ્વારા સચિન પાયલટના બળવાને મહાત કરનાર રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત હવે નરેન્દ્ર મોદી સરકારની નીતિ અને નિર્ણયોની ટીકા કરવા માટે કોંગ્રેસનો મુખ્ય અવાજ તરીકે ઊભરી આવ્યાં છે. ગેહલોતે કોવિડ-૧૯ સંક્રમણ સાથે કેન્દ્ર દ્વારા લેવામાં આવેલ પગલાંઓથી લઇને આ મહામારી સામે કામ લેવામાં રાજ્યોને કેન્દ્રના અપર્યાપ્ત સહયોગ અને ખેડૂતોના આંદોલન મુદ્દે અગ્રીમ મોરચે મોદી સરકાર પર ટીકા કરી રહ્યાં છે. એટલું જ નહીં ભાજપ શાસિત રાજ્ય સરકારો દ્વારા લવજેહાદના કાયદાને ઘડવાની કાર્યવાહીની પણ ગેહલોતે પક્ષના મુખ્ય અવાજ તરીકે ઝાટકણી કાઢી છે. આ પીઢ નેતા હવે કોઇ પણ જાતના ખચકાટ વગર રાષ્ટ્રીય રીતે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યાં છે અને આમ અત્યાર સુધી પ્રસિદ્ધિથી દૂર રહીને લો પ્રોફાઇલ રાખવામાં માનતા ગેહલોતનો હવે કોંગ્રેસમાં હવે નવો અવતાર જોવા મળી રહ્યો છે અને વિવિધ મુદ્દે તેઓ આગળ આવીને પક્ષની પ્રતિક્રિયાને વાચા આપી રહ્યાં છે. ગેહલોતે છેલ્લા કેટલાક મહિનાથી નિયમિત રીતે વડા પ્રધાનને પત્રોનો મારે ચલાવ્યો છે અને તેઓ ભાજપ શાસન પર પોતાના આકરા પ્રહારો સાથે ટ્‌વીટર જેવા સોશિયલ મીડિયામાં પણ અગ્રીમ મોરચે જોવા મળ્યાં છે. ખાસ કરીને ગાંધી પરિવારના મુખ્ય ટ્રબલ શૂટર રહેલા અહેમદ પટેલના અવસાન બાદ ગેહલોત હવે કોંગ્રેસના પ્રથમ પરિવારનો આગળ આવીને બચાવ કરી રહ્યાં છે. આ સંદર્ભમાં હાવે એવા તર્ક વિતર્કો વહેતાં થયાં છે કે શું તેઓ હવે પક્ષ માટે આગામી અહેમદ પટેલ બનશે કે કેમ ?