(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
કોંગ્રેસે દિલ્હીના રમખાણોની ન્યાયિક તપાસ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતશાહના રાજીનામા અને ભડકાઉ ભાષણો આપવા બદલ ભાજપના નેતાઓ સામે કેસો નોંધવાની માગણી કરી છે. કોંગ્રેસે એવું પણ કહ્યું કે કેન્દ્ર અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ) સરકાર તેમની જવાબદારીઓ અદા કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. ન્યાયિક તપાસની માગ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી દ્વારા બનાવવામાં આવેલી કોંગ્રેસની સત્ય શોધક સમિતિ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટનો એક ભાગ છે. હિંસાની ઘટનાઓની તપાસ કરવા માટે બનાવવામાં આવેલી એસઆઇટી (સીટ)નો બે મર્યાદિત જનાદેશ વિશે ભય વ્યક્ત કરતો રિપોર્ટ સોમવારે સોનિયા ગાંધીને સુપરત કરવામાં આવ્યો છે. કોંગ્રેસની સત્ય શોધક ટીમના સભ્યોમાંના એક પક્ષના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિકે જણાવ્યું કે સુપ્રીમકોર્ટ કે હાઇકોર્ટના જજના નિરીક્ષણ હેઠળ સ્વતંત્ર ન્યાયિક તપાસ થવી જોઇએ. જજ હિંસા તરફ દોરી જતા કારણોની નિષ્પક્ષ કે તટસ્થરીતે તપાસ કરી શકે અને હિંસા પાછળ કોણ જવાબદાર છે તે નક્કી કરી શકે તેના માટે સુપ્રીમકોર્ટ કે હાઇકોર્ટના જજના નિરીક્ષણ હેઠળ તપાસ થવી જોઇએ. સમિતિના અન્ય સભ્યોમાં તારિક અનવર, સુશમિતા દેવ, શક્તિસિંહ ગોહિલ અને કુમારી શેલજાનો સમાવેશ થાય છે. વાસનિકે જણાવ્યું કે અમને એવું લાગે છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન તરીકે અમિત શાહે હિંસા રોકવા માટે પુરતા પગલાં ન લીધા. અમે ભડકાઉ ભાષણો આપનારા ભાજપના નેતાઓ સામે એફઆઇઆર નોંધવા અને તેમની સામે તાકીદે કાનૂની કાર્યવાહી શરૂ કરવાની માગણી કરી છે.